ગુજરાતમાં તોફાની વાવાઝોડુંઃ વરસાદથી ૧૧નાં મોત

Wednesday 07th June 2017 07:18 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદના આગમનથી અત્યાર સુધીમાં ૧૦નાં મોત થયાં છે. રાજ્યમાં ઠેર ઠેર પહેલી જૂન અને બીજી જૂને તોફાની પવન, વીજળીના કડાકા અને સાંબેલાધાર વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. પહેલીએ વીજળી પડવાના કારણે દાહોદ જિલ્લમાં ૪, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ૨, જેતપુરમાં ૧, કામરેજ તાલુકાના ટીંબા ગામે ૨ અને રાજકોટ જિલ્લામાં ૧ બાળકીનું મોત થયું હતું. આ ઉપરાંત ૫ પશુનાં પણ મોત થયાં હતાં. અનેક ઠેકાણે મકાનો અને માર્ગો પર વૃક્ષો પડી ગયા હતા.
દાહોદ જિલ્લામાં પાંચ તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદ અને વંટોળ દરમિયાન ઝાલોદ તાલુકાના મુણધા ગામે મુણધી ફળિયામાં વીજળી પડતાં સુરેખાબહેન રીતેશભાઇ ગણાવાનું મોત થયું હતું. ગામના દંપતી ઉપર વીજળી ત્રાટકતાં પતિ ખુમાનભાઇ દીતાભાઇ દેવધાનું મોત થયું હતું જ્યારે પત્ની જેનાબહેન ગંભીર રૂપે દાઝી ગઇ હતી. ધાનપુર તાલુકાના ઝાબુ ગામના વાંગડ ફળિયામાં વીજળી પડતાં ઘર આંગણે વરસાદમાં રમતી ૯ વર્ષીય સેજલબહેનનું મોત થયું હતું. અરસામાં ઝાલોદ તાલુકાના ડુંગરી ગામના ગેંગડિયા દેવધા ફળિયામાં વાવાઝોડાને કારણે એક લીમડાનું ઝાડ ઘર ઉપર પડ્યું હતું. ઘરમાં હાજર ત્રણ સભ્યો ઘાયલ થયા હતાં જ્યારે કવીતા બહેન મુનિયાનું મોત થયું હતું.
ત્રણ ઈંચથી વધુ વરસાદ
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ત્રીજીએ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ હતો. બીજીએ ચોટીલામાં એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. વીછિંયા તાલુકાના કંઘેવાળીયા ગામે વીજળી પડતાં જલ્પા રમેશભાઈ બંભણિયા (૧૪)નામની તરુણીનું મોત થયું છે. ભરૂચ તાલુકાના ટંકારીયા, ઝઘડિયા, આમોદ, નેત્રંગ, નર્મદા જિલ્લાના દેડિયાપાડા, કેવડિયા, નાંદોદ, દાહોદ, ઝાલોદ, લીમખેડા, દેવગઢ બારિયા, નસવાડી, સાધલી, જામનગર અને દ્વારકાના અનેક તાલુકા, મોરબી જિલ્લો, રાજકોટ જિલ્લો, ધ્રોલ, ગોંડલ, ઉપલેટા, જૂનાગઢ, માણાવદર, બીલખા, અમરેલી, બનાસકાંઠાના પાંથાવાડા, ઇકબાલગઢ, દાંતીવાડા, અમીરગઢ, બારડોલી પંથકના ગામડાંમાં સતત ત્રણ દિવસ એકથી ત્રણ ઈંચ વચ્ચે વરસાદ રહ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter