અમદાવાદઃ ભારતમાં આતંકી હુમલાઓ કરતાં પણ રોડ પરના ભુવાને કારણે વધુ લોકો મૃત્યુ પામી રહ્યાં છે. તેવી તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે ભારતમાં છેલ્લા બે વર્ષમાં ૩૫૯૭ લોકો રોડ પરના ભુવાને લીધે મૃત્યુ પામ્યા છે. બીજી તરફ ગુજરાતમાં ૨૦૧૭ના વર્ષમાં ૨૨૮ લોકોએ રોડ પરના ભુવાને લીધે જીવ ગુમાવ્યો હતો. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં આ ચિંતાજનક ખુલાસો થયો છે. ૨૦૧૭ના વર્ષમાં રોડ પરના ભુવાને લીધે સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે.
ઉત્તર પ્રદેશ ૯૮૭ મોત સાથે આ યાદીમાં ટોચના, મહારાષ્ટ્ર ૭૨૬ મોત સાથે બીજા સ્થાને છે. એક અહેવાલ અનુસાર ભારતમાં ૨૦૧૭ના વર્ષમાં ૮૦૩ લોકોએ આંતકી હૂમલામાં જીવ ગુમાવ્યો હતો. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેના અહેવાલ અનુસાર ભારતમાં છેલ્લા ચાર વર્ષમાં ૧૧૩૮૬ લોકોના રોડ પરના ભુવાને લીધે મૃત્યુ થયા છે. આમ, ભારતમાં દર વર્ષે સરેરાશ ૨૮૪૬ લોકો રોડ પરના ભુવાને લીધે જીવ ગુમાવે છે.

