રાજ્યમાં દારુણ સ્થિતિ, હોસ્પિટલોમાં જગ્યા નથી, સ્મશાનો હાઉસફૂલ

Thursday 29th April 2021 04:42 EDT
 
 

અમદાવાદઃ સરકારની સબ સલામતની ગુલબાંગો વચ્ચે રાજ્યની હાલત દિવસે દિવસે કથળતી જાય છે. રાજ્યના કોઇ પણ શહેરોની હોસ્પિટલોમાં આજના દિવસે વેન્ટિલેટરની જરૂરવાળા દર્દી માટે જગ્યા નથી. ઓક્સિજનની જરૂરતવાળા દર્દીને હોસ્પિટલોમાં ભટકવું પડે છે. માંડ કોઇ ઓળખાણ હોય તો એડમિશન મળે છે. રાજ્યની શું પરિસ્થિતિ છે તેનું એક ઉદાહરણ અમદાવાદના વટવામાં રહેતો યુવાન દિપક પસાતનું જડતંત્રની આંખ ઉઘાડનારું છે.
દિપકે તેની ૩૦ વર્ષની પત્ની ઉર્મિલાની હાલત બગડતા ૧૦૮ને ફોન કર્યો. વટવામાં એક પણ એમ્બ્યુલન્સ ના મળતા આખરે રિક્ષામાં પત્નીને શ્રીજી હોસ્પિટલમાં લઇ ગયો. ત્યાં દાખલ નહીં કરાતા એલજી હોસ્પિટલમાં લઇને ગયો, ત્યાંનાં ડોક્ટરે કહ્યું કે ૧૦૮માં લાવશો તો જ અમે દાખલ કરીશું. ત્યાર પછી મણિનગરની સરદાર પટેલ હોસ્પિટલમાં ગયો ત્યાં પણ સારવાર ના મળી. આખરે ચાર કલાકની રિક્ષામાં દોડાદોડી બાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો પરંતુ સિવિલના દરવાજે જ ઉર્મિલાનું મોત નીપજ્યું. કરુણતા એ છે કે દિપકને પત્નીના મૃતદેહ માટે શબવાહિની પણ ના મળી. આ ઘટના માત્ર અમદાવાદની નથી, આવી ઘટનાઓ રાજ્યના સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં રોજબરોજ બને છે. રાજ્યના નાગરિકો માટે સૌથી મોટી વિડંબના એ છે કે હોસ્પિટલોમાં બેડ નથી અને સ્મશાનોમાં જગ્યા નથી. ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આવો દર્દનાક માહોલ સર્જાયો છે કે જ્યાં શહેરના સ્મશાનો હાઉસફૂલ થઇ ગયાં છે.
સરકારી આંકડા કહે છે કે ૨૩ એપ્રિલે રાજ્યમાં ૧૪૨ મોત નોંધાયા છે, પરંતુ હકીકત ખૂબ જ દારુણ છે. આ દિવસે શંકાસ્પદ કોરોનાને કારણે એકલા વડોદરામાં જ ૧૦૦ મોત નોંધાયા હતાં. રાજ્યના બીજા શહેરોમાં પણ આ જ પરિસ્થિતિ છે.
દુઃખની વાત એ છે કે રાજ્યનું તંત્ર જરૂરી વ્યવસ્થા ઊભી કરવાને બદલે આંકડા છૂપાવવાની રમત રમી રહ્યું છે. રાજ્યના આરોગ્ય સચિવ ડો. જયંતી રવિએ કહ્યું હતું કે, કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શનની ખાસ કોઇ ઉપયોગિતા નથી. હકીકત એ છે કે ૯૦૦ રૂપિયાની એમઆરપીવાળું રેમડેસિવિર ઇન્જેક્શન આજે રાજ્યભરમાં ૭ હજારથી ૧૦ હજાર રૂપિયામાં કાળાબજારમાં વેચાઇ રહ્યું છે ડોક્ટરો કોરોનાના દર્દીઓનો જીવ બચાવવા માટે રેમડેસિવિર ઇન્જેક્શનના પ્રિસ્ક્રિપશન લખી રહ્યાં છે ત્યારે ડો. જયંતી રવિનું આ પ્રકારનું નિવેદન એમ કહેવા માગે છે કે રાજ્યભરના ડોક્ટરો મુર્ખ છે? આજે રાજ્યની હાલત એ છે કે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાતા નથી.
૪૮ કલાકમાં ૭ શહેરોમાં ૧,૪૯૫થી વધારે ચિતા સળગી, સરકારના મતે ૨૨૦ મોત
ક્ષેત્રફળની દૃષ્ટિએ ગુજરાતમાં સૌથી વિશાળ કચ્છ જિલ્લામાં શનિવારે એક જ દિવસમાં ૮૪થી વધુ નાગરિકોના મૃત્યુ થયાના અહેવાલ છે. કોરોનાની સેકન્ડ વેવમાં ઓક્સિજનની સખત ખેંચની વચ્ચે શનિવારે અને રવિવારે એમ બે દિવસમાં અમદાવાદ, સુરત સહિત ૭ મહાનગરોમાં ૧૪૯૫થી વધારે મૃતદેહોની અંતિમક્રિયા થઈ છે. જો કે, આ બેઉ દિવસની સરકારી અખબારી યાદીમાં ૭ શહેરોમાં કોરોનાને કારણે ૨૨૦ દર્દીઓના જ અવાસન થયાનું જાહેરત કરવામાં આવ્યું છે.

૨૯ નવા ઓક્સિજન પ્લાન્ટને મંજૂરી
કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની તીવ્ર અછતનો સામનો કરી રહેલા ગુજરાતમાં ૨૯ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે પીએમ કેર્સ ફંડ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવાઈ છે. અગાઉ રાજ્યમાં ૧૧ પ્લાન્ટ માટે મંજૂરી અપાઈ હતી. ૨૯ જિલ્લાની સરકારી હોસ્પિટલોની પસંદગી કરાઈ છે, જેથી જિલ્લા કક્ષાએથી દર્દી માટે ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડી શકાશે. ૨૯ જિલ્લા પૈકી ગાંધીનગરમાં કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે પ્લાન્ટ કાર્યરત થયો છે.

૩૨૪૪ લગ્નોમાં ચેકિંગ, ૨૦૭ કેસ
કોરોનાના કેર વચ્ચે યોજાઈ રહેલા લગ્નોમાં ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તે અંગે પોલીસે રાજ્યમાં ૩૨૪૪ લગ્નોમાં ચેકિંગ હાથ ધરી ગાઈડલાઈન ભંગના ૨૦૭ ગુના દાખલ કર્યાં હતા. કોરોનાની મહામારીની બીજી લહેર વચ્ચે ચાલી રહેલા લગ્નપ્રસંગોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્યભરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગાઈડલાઈનનો ભંગ કરવાના અને માસ્ક અંગેના મળીને કુલ ૨૦૭ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં ૩૮ મિનિટનું જ વેઇટિંગ છેઃ સરકાર

કોરોના સામે ગુજરાત હાઈ કોર્ટે હાથ ધરેલા સુઓમોટોમાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ સોગંદનામા દ્વારા જવાબ ફાઇલ કર્યો છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે સમગ્ર રાજ્યમાં એમ્બ્યુલન્સમાં ૩૮ મિનિટનું વેઇટિંગ છે જ્યારે અમદાવાદમાં એક કલાક વીસ મિનિટનું વેઇટિંગ છે. ગુજરાતમાં સરેરાશ રાજ્યમાં કોરોના દર્દી ૧૦૮ને ફોન કરે અને તેને દાખલ કરવામાં આવે તે સમયગાળો બે કલાક ૧૭ મિનિટનો છે અને અમદાવાદમાં આ સમયગાળો ચાર કલાક ૩૭ મિનિટનો છે. સોગંદનામામાં સરકારે દાવો કર્યો છે કે સરકાર અત્યારે અથાગ પ્રયત્નો કરી રહી છે અને લોકો સહકાર આપે તેવી અપેક્ષા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter