અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતો દેવા માફીને લઈને ઉગ્ર આંદોલનના માર્ગે છે. વિવિધ સંગઠનો દ્વારા પાંચમી અને છઠ્ઠી જુલાઈના રોજ દૂધ રોકો આંદોલનની જાહેરાત થઈ હોવાથી પ્રજાએ દૂધનો સ્ટોક રાખવા માટે દૂધની કેબિન અને દુકાને પડાપડી કરી મૂકી હતી. દૂધ રોકો આંદોલનની વાત વહેતી થતાં તેની સીધી અસર જોવા મળી હતી. એકાએક ઘરાકી વધતાં વેપારીઓએ દૂધનો ભાવ વધારી દીધો હતો. રૂ. ૪૨ના લીટર મળતા દૂધના રૂ. ૪૮ થઈ ગયા હતા. સ્ટોક ખાલી થઈ જતાં છુટક દૂધનું પણ ધૂમ વેચાણ થયું હતું.
ગુજરાતમાં દેવા માફી માટે ખુદ ખેડૂતો મેદાનમાં ઊતર્યાં હતા, જેને પગલે સ્વૈચ્છિક સંગઠન ગુજરાત ખેડૂત સમાજ સહિત વિવિધ સંગઠન તેમજ રાજકીય પક્ષે પણ આંદોલનનું એલાન કર્યું હતું. પંજાબ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની રાજ્ય સરકારોએ ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરી છે, પરંતુ ગુજરાત સરકારે હજુ સુધી કોઈ જાહેરાત ન કરતાં આંદોલન ઉગ્ર બનાવવાનું ખેડૂતોએ નક્કી કર્યું છે.
ખેડૂત આગેવાનોએ રાજ્યના ખેડૂતોને વિનંતી કરી હતી કે, પાંચમી અને છઠ્ઠી જુલાઈએ ડેરીએ દૂધ ભરવા ના જતાં. જોકે દૂધ ઉપલબ્ધ કરાવતા વેપારીઓએ આ આંદોલનની ચીમકીનો ફાયદો ઉઠાવતા એક લીટરે સીધો રૂ. ૬ સુધીનો ભાવવધારો કરી દીધો હતો. લોકોએ જરૂરિયાત કરતાં પણ વધારે દૂધની ખરીદી કર્યાનું જાણવા મળ્યું છે.
લોન માફી માટે જંગ
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં સરકારે ખેડૂતોની લોન માફીનો નિર્ણય લેતાં ગુજરાતમાં પણ ખેડૂતોને ધિરાણ સામે માફીનો લાભ મળવો જોઈએ એવી માગ સાથે ખેડૂતોએ દૂધની સપ્લાય અટકાવવાનું એલાન કર્યું હતું.


