ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં છઠ્ઠી મેથી શરૂ કરીને લગભગ ત્રણ દિવસ કમોસમી વરસાદ પડ્યો હતો.
સાપુતારા વઘઈ ડાંગમાં સફેદ ચાદર
દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડમાં છઠ્ઠીમેથી ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. તાપી જિલ્લાના નિઝર કુકરમુંડામાં સાતમીએ વરસાદી ઝાપટું પડ્યું હતું. નવમી મેએ પણ સાપુતારા, વઘઈ અને ડાંગમાં મુશળધાર વરસાદ અને કરા પડતાં દક્ષિણ ગુજરાતના પહાડો અને ટેકરીઓ પર બરફની ચાદર છવાઈ ગઈ હતી અને ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લો મિની કાશ્મીર જેવો બન્યો હતો. ભરૂચ તાલુકના ટંકારીયા અને પાલેજ પંથકમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની શરૂઆત થતાં જ વિવિધ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી.
ધૂળિયું વાતાવરણ
તેજગઢ પંથકમાં આઠમી અને નવમી મેએ બરફના કરા સાથે એકંદરે બે ઇંચ વરસાદ હતો. વરસાદ પહેલાં ધૂળની ડમરીઓ ઊડી હતી. છોટા ઉદેપુર, પાવીજેતપુર, બોડેલી, તેજગઢ, સહિતના વિસ્તારોમાં સાતમીથી ત્રણ દિવસ વરસાદ હતો. ગોધરામાં સાતમીએ મોડી સાંજે ધૂળની ડમરીઓથી વાતાવરણ ધૂંધળું બન્યું હતું.
સૌરાષ્ટ્ર - કચ્છમાં કરા સાથે માવઠાં
સૌરાષ્ટ્ર - કચ્છમાં સાતમી, આઠમી અને નવમી મેએ તોફાની પવન અને કરા સાથે માવઠું થયું હતું. અમરેલી, ભુજ, ભાવનગરમાં ત્રણ દિવસ કરા, વાવાઝોડા સાથે વરસાદ રહ્યો હતો. અમરેલી જિલ્લા અને પંથકમાં સતત ત્રીજા દિવસે ભારે પવન અને કરા સાથે માવઠું વરસ્યું હતું. ગાધકડા ગામે વીજળી પડતાં બે બળદના મોત નીપજ્યા હતા.
રાજ્યમાં કમોસમી વરસાદ અને હવામાનમાં પલટાના કારણે ખેડૂતોમાં કેરીના પાકને નુક્સાન થવાની ભીતિ ફેલાઈ છે. ખાંભામાં ૧ ઈંચ, ટીંબી, લીલીયા, બાબરા, સાવરકુંડલા પંથકમાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે. ખાંભામાં ૧ ઈંચ કરતાં વધુ વરસાદ પડતાં શેરીમાં પાણી ભરાઈ ગયા હતા.
ખંભાતના દરિયામાં તોફાની મોજાં ઊછળ્યાં
ચરોતર પંથકમાં છઠ્ઠીથી બે દિવસ હવામાન પલટાયું હતું અને આંધીનો સામનો કર્યા બાદ તોફાની પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. છઠ્ઠી મેએ ખંભાતના દરિયામાં પાંચથી છ ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા હતા. ખેડાના નડિયાદ, મહેમદાવાદ, વસો કણજરી અને ડાકોર સહિત વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.


