અમદાવાદઃ ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે આ વખતે ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી પહેલાં છ મહાપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવાની તારીખ આપેલી છે. રાજ્ય ચૂંટણી પંચના આ નોટિફિકેશન સામે હાઈ કોર્ટમાં ૨૯મી જાન્યુઆરીએ અરજીમાં માગ છે કે, મહાપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની મત ગણતરી એક જ તારીખે રાખવામાં આવે. આ અરજી પરની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
અરજદારની એ પણ રજૂઆત છે કે, જો નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન પહેલાં મહાનગરપાલિકાની ચુંટણીનું પરિણામ જાહેર થશે તો તેના લીધે, મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. જેમાં, મતદારોને અસર થવાની સંભાવના છે. જેથી, મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ બની શકશે નહીં. થોડા દિવસ પહેલાં રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં હાથ ધરાશે. જેમાં, મહાપાલિકાની ચૂંટણી માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન અને તેની મત ગણતરી ૨૩ ફેબ્રુઆરીએ હાથ ધરાશે. જ્યારે, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ૨૮ ફેબ્રુઆરીએ મતદાન અને બીજી માર્ચે મત ગણતરી હાથ ધરાશે.
ભાજપઃ ૬૦ વર્ષથી વધુનાને ટિકિટ નહીં
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીના નિયમોમાં પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે ભારે ફેરફાર કર્યાં છે. ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પહેલાં જ પાર્ટી પ્રદેશ પ્રમુખ પાટિલે સ્પષ્ટ કર્યું છે કે ત્રણ ટર્મથી ચૂંટાતા તથા ૬૦ વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકિટ નહીં મળે તથા ટિકિટ ફાળવણીમાં પરિવારવાદ ચલાવી નહીં લેવાશે. આ નિયમથી તમામ ૬ મહાનગરપાલિકામાં ૬૦ ટકા કોર્પોરેટરોના તથા ૩૫ ટોચના નેતાઓના પત્તા કપાઇ જશે. આ નવી નો રિપિટ થિયરીને કારણે ગુજરાત ભાજપમાં ચોક્કસ જૂથના લોકો જ ટિકિટો મેળવવામાં સફળ થતાં હતાં તે આખી સિસ્ટમ ખતમ થઈ જશે.
અમદાવાદમાં ૨૦થી વધુ વરિષ્ઠ નેતાઓ
અમદાવાદ પાલિકાના વર્તમાન કોર્પોરેટર પૈકી ૨૦થી વધુ સિનિયર નગરસેવકોનાં નામ પર ચોકડી વાગી શકે છે. આ તમામ નગરસેવકોમાં ચાર પૂર્વ મેયરો, બે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બે ડેપ્યુટી મેયરો છે. આ નામો પૈકી અમુક તો પાંચ ટર્મથી કે ચાર ટર્મથી કોર્પોરેશનમાં ચૂંટાઇ આવતા હતા.
પક્ષનું માનવું છે કે, ઉમેદવારોની પસંદગી માટેના નિયમોમાં ફેરફારથી ભાજપના કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો છે. આ નિર્ણયથી ચૂંટણીમાં નવા ચહેરાને તક મળશે. અગાઉ વિવિધ કેમ્પ કે જૂથના દાવેદારોને તક અપાતી હતી આ નિયમથી જૂથવાદનું રાજકારણ ઘણે અંશે નબળું પડશે અને નવા ચહેરાને તક મળશે.
કોંગ્રેસઃ ટિકિટની ડિપોઝીટ, હારે તો જમા જીતે તો પાછી
અમદાવાદ સહિત અન્ય મહાપાલિકાની ચૂંટણી લડવા કોંગ્રેસના દાવેદારોનો રાફડો ફાટયો છે ત્યારે કોંગ્રેસે નવી ફોર્મ્યુલા શોધી કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ટિકિટ મળે તો ઉમેદવારે પક્ષમાં રૂ. એક લાખ ડિપોઝીટ આપવી પડશે. ઉમેદવાર હારે તો ડિપોઝીટ ફંડ પેટે પક્ષમાં જમા થઇ જશે અને જીતે તો પરત મળશે. જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં ય ઉમેદવારો પાસેથી ડિપોઝીટ લેવા અંદરખાને વિચારણા કરાઇ છે.
મ્યુનિ. કોર્પોરેશન ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં હજુ ટિકિટની વહેંચણી થઇ નથી તે પહેલાં જ પ્રદેશ નેતાઓ જ અંદરોઅંદરની ખેંચતાણ જામી છે. આ ઉપરાંત ટિકિટની વહેંચણી બાદ પણ કોંગ્રેસને નેતા-કાર્યકરો પક્ષપલટો કરે તેવી ચિંતા છે. વળી, જીત મેળવ્યા પછીય કોંગ્રેસના કાઉન્સિલર, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો કેસરિયો ખેસ ધારણ કરી લે છે જેથી કોંગ્રેસને પક્ષપલટાનો ભય સતત સતાવી રહ્યો છે જેથી પ્રદેશ નેતાઓએ ઉમેદવારો પાસેથી પક્ષ છોડીને નહીં જઇએ તેવું બાંહેધરી પત્ર લેવાનુંય નક્કી કરાયું છે.
કોંગ્રેસે અમદાવાદ સિવાય ઉમેદવાર જાહેર કર્યા
ગુજરાત કોંગ્રેસે પ્રથમ તબક્કે અમદાવાદ સિવાયની ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા એમ પાંચ મહાપાલિકાનાં ૧૪૨ ઉમેદવારોનાં નામ સોમવારે સાંજે જાહેર કર્યાં હતાં. બાકી નામો ફાઈનલ કરવાની બેઠકોમાં જ્ઞાતિ, જાતિ સહિતના વિવિધ સમીકરણો ચકાસાઈ રહ્યાં છે. હાલમાં તો જે બેઠકો પર વિવાદ નથી તેવા નામ જાહેર કરાયા છે. કોંગ્રેસે સુરત પાલિકા માટે બાવન ઉમેદવારો જાહેર કર્યાં છે અને હજી ૬૪ નામ જાહેર કરવાના બાકી છે. ભાવનગરમાં ૨૧ નામો જાહેર કરાયા અને હજુ ૩૧ નામો જાહેર થશે. જામનગરમાં ૨૭ ઉમેદવારો જાહેર થયા અને ૩૭ નામો જાહેર થશે. રાજકોટમાં ૨૨ નામ જાહેર અને ૫૦ નામો ફાઈનલ થશે. વડોદરામાં ૨૦ ઉમેદવાર જાહેર અને ૫૬ નામ બાકી છે.
અમદાવાદમાં ૧૨નાં પત્તાં કટની શક્યતા
અમદાવાદ પાલિકા માટે કોંગ્રેસ ઉમેદવારો નક્કી કરવા મથામણમાં છે ત્યારે રાજકીય વિશેષજ્ઞોના મતે અમદાવાદ શહેરમાં મેરિટ ઉપરાંત સીમાંકન સહિતની બાબતોને ધ્યાને રાખીને કોંગ્રેસના ૧૨ જેટલા પૂર્વ કોર્પોરેટરોનાં પત્તાં કપાઈ શકે છે.
ભરૂચમાં BTPએ ભાજપને તોડી કાર્યકરોની ભરતી કરી
પાલિકા - પંચાયતોની ચૂંટણી વચ્ચે ભાજપમાં ભંગાણના સમાચાર છે. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે અને ભરૂચમાં બીટીપીએ પાંચમાંથી વધુ સરપંચો, ડેપ્યુટી સરપંચો સહિત ભાજપના આગેવાનોની ભરતી કરતાં ગ્રામ્ય વિસ્તારોનું રાજકારણ ગરમાયું છે.ભરૂચમાં ધારાસભ્ય છોટુ વસાવાની પાર્ટી બીટીપી ભાજપ સાથે તો ક્યારેક સામે હોય છે. ઝઘડિયા તાલુકામાં પાંચ ગામના સરપંચો સહિત ૨૦૦થી વધુ ભાજપીઓએ ભાજપ છોડીને બીટીપીમાં બેસવાનું પસંદ કર્યું છે. ભરૂચમાં પહેલીવાર છોટુ વસાવાએ ભાજપમાં ભંગાણ સર્જતાં આદિવાસી મતક્ષેત્રના રાજકારણમાં ઉત્તેજના છે. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૯મી જાન્યુઆરીએ મૂળી તાલુકાના સડલા ગામે ભાજપના હોદ્દેદારો સહિત ૨૦૦ જેટલા કાર્યકરોએ ધારાસભ્ય ઋત્વિક મકવાણાની હાથે કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો.
મારી દીકરી લોકશાહીમાં જીવે છે, ટિકિટ માગવા માટે સ્વતંત્ર છેઃ પ્રહલાદ મોદી
નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ તેમની પુત્રી સોનલ મોદીએ માગેલી ટિકિટ અંગે કહ્યું કે, દીકરી લોકશાહીમાં જીવે છે અને ટિકિટ માગવા માટે સ્વતંત્ર છે. એના મનમાં કેવી ભાવના હશે કે વડા પ્રધાન તેના મોટા બાપા છે એટલે લાભ મળી શકે. મારા મતે મારી દીકરીને કેટલું મહત્ત્વ અપાય છે તેને આધારે પાર્લામેન્ટરી બોર્ડ નરેન્દ્રભાઇની કેટલી ઇજ્જત કરે છે તેનો ખ્યાલ આવી જશે.


