અમદાવાદઃ વર્ષના છેલ્લા પુષ્યમૃત નક્ષત્રમાં રાજ્યભરમાં અંદાજે રૂ. ૪૫ કરોડના ૧૨૫ કિલો સોનાનું અને લગભગ રૂ. ૩ કરોડની કિંમતની ૫૦૦ કિલો ચાંદીનું વેચાણ થયું હતું. પુષ્યામૃત નક્ષત્ર સોનું-ચાંદી, ઝવેરાત, જમીન-મકાન, મિલકત સહિતની વસ્તુઓ ખરીદવા માટે ઉત્તમ મનાય છે. આ નક્ષત્રને ૨૭ નક્ષત્રનો રાજા મનાય છે. સોના-ચાંદીની ખરીદી ઉપરાંત યંત્રની ઉપાસના અને પૂજા-સ્થાપના માટે પણ પુષ્યામૃત નક્ષત્ર શ્રેષ્ઠ ગણાય છે.
પુષ્યનક્ષત્રના દિવસે ૧૩મી ઓક્ટોબરે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સોના-ચાંદીની ધૂમ ખરીદી થઈ હતી. બુલિયન એસોસિએશનના અંદાજ મુજબ રૂ. ૪૫ કરોડના સોનાની અને ૩ કરોડની કિંમતની ચાંદીની લોકોએ ખરીદી કરી હતી. તાજેતરમાં સોના-ચાંદીની ખરીદી પર કેવાયસી તથા પાનકાર્ડની મર્યાદામાં રાહત આપી હોવાથી ખરીદદારી ખૂલી છે. સરકારે કેવાયસીની નિયમોમાં સુધારો કરી અગાઉની રૂ. ૫૦ હજારની મર્યાદામાં વધારો કરી રૂ. ૨ લાખ સુધીની મર્યાદા કરતા લોકો સોના-ચાંદી બજારોમાં ઉમટ્યા હતા. સોનાના ભાવ મહિના પૂર્વે રૂ. ૩૧૫૦૦ની સપાટી ઉપર હતા.


