રાજ્યમાં પ્રથમ વખત બાયોડીઝલથી ટ્રેન દોડાવાઈ

Friday 14th June 2019 02:36 EDT
 

અમદાવાદ: વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવા માટે રેલવેએ બાયોડીઝલનો ઉપયોગ શરૂ કર્યો છે. રેલવેએ ગુજરાતમાં પહેલીવાર પાંચમીએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે બાંદ્રા ભુજ એક્સપ્રેસને અમદાવાદથી ભુજ સુધી બાયોડીઝલનો ઉપયોગ કરી દોડાવી હતી. ઉલ્લેખનીય છે કે વટવા ડીઝલ શેડના ૧૩૫ એન્જિનને આગામી સમયમાં બાયોડીઝલથી દોડાવવાનું આયોજન છે.

બાયોડીઝલથી ગુજરાતમાં દોડાવવામાં આવેલી પહેલી ટ્રેન અંગે માહિતી આપતા રેલવે પ્રવક્તા પ્રદીપ શર્માએ જણાવ્યું કે, બાયોડીઝલથી એન્જિન દોડાવવા માટે તેમાં ૯૫ ટકા ડીઝલની સાથે જેટ્રોફા વનસ્પતિથી તૈયાર થતા બાયોડીઝલ પાંચ ટકા મિક્સ કરવામાં આવે છે, જેના માટે વટવા ડીઝલ શેડમાં જેટ્રોફા બાયોડીઝલ અને ડીઝલ મિક્સ કરવા માટેનો પ્લાન્ટ પણ સ્થપાયો છે. તેમાં તૈયાર થતા ડીઝલથી પર્યાવરણની અસર અંગે અભ્યાસ કરાઈ રહ્યો છે. ડીઝલથી વાતાવરણમાં ફેલાતા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધુ હોય છે જ્યારે બાયોડીઝલ યુક્ત ઇંધણથી પ્રમાણ ખૂબ જ ઘટી જાય છે.

ટ્રેકની બન્ને બાજુ જેટ્રોફા વનસ્પતિ

બાયોડીઝલ એ જેટ્રોફા વનસ્પતિમાંથી બનાવાય છે. રેલવે દ્વારા આગામી દિવસોમાં મોટાપાયે બાયોડીઝલનો ઉપયોગ કરવામાં આવનાર છે તે સરળતાથી મળી રહે અને કિંમતમાં પણ સસ્તુ પડે તે માટે રેલવે ટ્રેકની બન્ને બાજુ જેટ્રોફાના છોડ ઉછેરવાની સાથે અન્ય લોકોને પણ તેના માટે પ્રોત્સાહન આપવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter