ગાંધીનગરઃ લોકડાઉન ખોલ્યા પછી અનલોક-૧.૦માં ગુજરાતમાં ફિલ્મો, સિરિયલો અને વેબ સિરીઝ બનાવતા નિર્માતા, કલાકારો સહિતના કાફલાઓ માટે કામ કરવાની બાબતે રાજ્યના માહિતી પ્રસારણ વિભાગે ચોથી જૂને ઠરાવ બહાર પાડ્યો હતો. આ ઠરાવ પ્રમાણે શૂટિંગ દરમિયાન કેમેરાની સામે શોટ લેતી વખતે જે કલાકારોને સીનમાં દર્શાવવાના હોય તેમને જ માસ્ક ઉતારવાની છૂટ મળી છે. સીનના શૂટ પછી તુરંત માસ્ક ફરજિયાત રહેશે. અનલોક-૧.૦માં ઉદ્યોગો શરૂ કરવા સંદર્ભે ભારત સરકારની ગાઈડલાઈન, નિયમોને ટાંકીને થયેલા આ ઠરાવમાં ક્રાઉડ, ગ્રુપ ડાન્સ, ફાઈટ સીન અને ગ્રુપ સીન જેવા દશ્યો કે જેમાં ઘણા બધા કલાકારો હોય તેવા દૃશ્યોનું શૂટિંગ કરવા ઉપર રોક લગાવી છે. મેકઅપ આર્ટિસ્ટ માટે પીપીઈ કિટ ફરજિયાત કરાઈ છે અને એક કલાકારને મેકઅપ થતો હોય ત્યારે બીજા કોઈને નજીકમાં રહી શકશે નહીં.
રાજ્યમાં પ્રતિબંધિત વિસ્તારમાં શૂટિંગ કરાશે નહીં. કોઈ પણ સ્થળે શૂટિંગ પહેલાં સ્થાનિક કલેક્ટરની મંજૂરી લેવી ફરજિયાત રહેશે. શૂટિંગ યુનિટના તમામ સભ્યોએ મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને લોકેશન ઓન રાખવાનું રહેશે.