અમદાવાદ: ગત વર્ષના એપ્રિલથી જૂનની સરખામણીએ આ વર્ષના એપ્રિલથી જૂનમાં અમદાવાદ એરપોર્ટ પર આવતી જતી ફ્લાઇટની સંખ્યામાં ૫.૭ ટકા અને પેસેન્જર્સની સંખ્યામાં ૮.૫ ટકાનો વધારો નોંધાયો છે. અમદાવાદ એરપોર્ટ પર જૂન ૨૦૧૮માં જૂન ૨૦૧૭ની સરખામણીમાં ડોમેસ્ટિક પેસેન્જરોની સંખ્યામાં ૨૭.૧ ટકાનો તેમજ ઇન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યામાં ૧૪.૭ ટકાનો વધારો નોંધાયો છે. પેસેન્જરોના વધારાની સાથે ગુજરાતમાં મેડિકલ ટુરિઝમના ભાગરૂપે આવતા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ જૂન ૨૦૧૮માં અહીં ૧૧૧૭ ઇન્ટરનેશનલ એરક્રાફ્ટ નોંધાયા હતા, જે ગત વર્ષની સરખામણીમાં ૩.૪ ટકાનો વધારો સૂચવે છે.

