રાજ્યમાં ભરશિયાળે ચોમાસુઃ માવઠાએ પાક બગાડ્યો

Wednesday 16th December 2020 12:18 EST
 
 

અમદાવાદઃ રાજ્યમાં ભરશિયાળે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને નુકસાનીના ખાડામાં ઉતારી દીધા છે. ગયા શુક્રવાર અને શનિવારે કમોસમી વરસાદે સમગ્ર રાજ્યને ધમરોળ્યું હતું અને વિવિધ સ્થળોએ ઝરમરથી લઇને દોઢ-બે ઇંચ વરસાદ નોંધાયો છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સાયકલોનિક સર્ક્યુલેશનના વરસાદી માહોલ સર્જાયો હતો. ખેતરોમાં ઉભા પાક તેમજ માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં રહેલા કપાસ અને મગફળી પલળી જતાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. 

ખેતપેદાશને ભારે નુકસાન

વાતાવરણમાં અચાનક પલટો આવતાં કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે શાકભાજી સહિતના કેટલાક પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે. વાદળછાયા વાતાવરણના કારણે શાકભાજીના પાકોમાં કેટલાક પ્રકારનો રોગ-જીવાતનો ઉપદ્રવ વધી શકે છે. તો ફળમાં બગાડ આવી જતા તેના ઉત્પાદનમાં અસર થઈ શકે છે.
ચરોતર પંથકની વાત કરીએ તો, ઘઉં, ચણા, મરચી, તમાકુ, કેળ, ડાંગર, ટામેટા, ફ્લાવર, કોબીજ સહિતના અનેક પાકોમાં વ્યાપક નુકશાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. મરચા સહિતના પાકોમાં ફુગજન્ય રોગ આવવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. જ્યારે કેળનો પાક જમીન ઉપર આડો પડી જતાં ગુણવત્તા અને ઉત્પાદન ઉપર માઠી અસર વર્તાશે. તમાકુ, મરચી, ઘઉં સહિતના પાકોમાં રોપણી થયે હજુ થોડો જ સમય થયો છે. પણ પિયતના સમયે વરસાદ વધુ થાય તો તમાકુના છોડનું બાળમરણ થાય છે. જ્યારે ચણા અને ઘઉંમાં પાણી ભરાય જાય તો કોહવાવાના કારણે પાક નસ્ટ થઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ સહિત તાલુકાના વિસ્તારોમાં વરસાદ પડયો હતો. આ માવઠાના કારણે કપાસ, તુવેર, શાકભાજી જેવા ઉભા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બોડેલી સહિત સમગ્ર પંથકમાં કપાસ, તુવેર, ટામેટા સહિતની ખેતીમાં ભારે નુકસાનના અહેવાલ છે. પાવીજેતપુર પંથકમાં ખેતીમાં ભારે નુકસાન થતાં ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. નસવાડી પંથકમાં મકાઈ, તુવેરના પાકમાં ઈયળો પડી જવાની તેમજ ખેતરમાં ઉગાડેલા શાકભાજી, ઘાસચારામાં ભારે નુકસાનની ભીતિ છે. સાવલી તાલુકાના ખેતરોમાં કપાસ, ડાંગર, તુવેર, શાકભાજી ચણા જેવા પાકોને આ કમોસમી માવઠાને પગલે ભારે નુક્સાન થવાનો અંદાજ મનાઈ રહ્યો છે. ઘાસ પલળી જવાથી સડી જવાની તો તુવેરના પાકમાં જીવાત પડવાની આશંકા છે. ડભોઈ પંથકમાં ડાંગર, કપાસ સહિતના પાકને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. નર્મદા જિલ્લાના નાંદોદમાં કપાસ, તુવેર, મગ, અડદ, ઘઉ, ચણાના પાકને ભારે નુકશાનની શક્યતા છે. દેડિયાપાડામાં પણ કપાસ, તુવેર, સુરતી પાપડી, શાકભાજીના પાકને નુક્સાન છે.
છોટા ઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતી સહિત મીઠાના અગરો અને ઇંટોના ભઠ્ઠાવાળાઓને વ્યાપક નુક્સાન થયું છે. કમોસમી વરસાદને કારણે આંબા ઉપર થઇ રહેલી ફ્લાવરીંગની પ્રક્રિયાને વિપરીત અસર થતાં કેરીનું ઉત્પાદન ઘટવાની શક્યતાઓ વધી જશે. આ પ્રકારનું વાતાવરણ યથાવત્ રહે તો રવિપાકોમાં રોગચાળો ફેલાવાની પૂરેપૂરી સંભાવના રહેલી હોવાની ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter