ગાંધીનગરઃ બંગાળની ખાડી તરફથી આવતી વાવાઝોડાં અને વરસાદના એંધાણના પગલે ૨૬મી ઓગસ્ટથી રાજ્યભમાં વરસાદી માહોલ છે. સોમવારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને ભાવનગર પંથકમાં ૨થી ૭ ઈંચ સુધીનો વરસાદ પડતાં નદી-નાળા છલકાઈ ગયાં હતાં. અરવલ્લી જિલ્લાના ભિલોડામાં વીજળી પડતાં ૨ આધેડનાં મોત થયા હતા. ભરૂચ અને નર્મદા જિલ્લામાં છેલ્લા ૩ દિવસથી જોરદાર વરસાદનો માહોલ છે. ૨૭મીએ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં સૌથી વધુ ૭, ભરૂચ જિલ્લાના હાંસોટમાં ૬, નેત્રંગમાં ૫ તેમજ વાગરામાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સુરત શહેર, સુરત જિલ્લાના ગામડામાં દોઢથી ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ અને વાપી શહેર ઉપરાંત આજુબાજુનાં શહેર-ગામડાઓમાં ૪ ઇંચ સુધીની સાર્વત્રિક મેઘમહેર નોંધાઈ હતી. દમણગંગા નદીના મધુબન જળાશયના કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદના કારણે ડેમમાંથી ૧ લાખ ક્યુસેક પાણી છોડાતાં વાપીના નદી કિનારાના ચાર ગામને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. ભાવનગરમાં ધોધમાર ૫ ઇંચ વરસાદ પડતાં ઘરોમાં ૧ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયાં હતાં. આ ઉપરાંત, ઘોઘા ૪, તળાજા ૪.૬૦, પાલિતાણા ૩.૦૦, સિહોર ૨.૭૫ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે ડભોઈના ૧૦ ગામનો સંપર્ક તૂટી ગયો હતો.


