રાજકોટઃ રવિવારે સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશન (સોમા) દ્વારા દર વર્ષની જેમ જ પાકના ઉત્પાદનનું ચિત્ર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ગુજરાતમાં મગફળીનો પાક સરેરાશ એક વીઘાએ ૧૫.૩૩ મણ વધુ થયો હોવાનું જાણવા મળ્યું છે. સોમાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ૩૦.૧૯ લાખ ટન મગફળીનો પાક થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો હતો. આ વર્ષે મગફળીના ઉત્પાદન થકી દેશમાં ૧૩૫ અબજની રેવન્યૂ જનરેટ થશે. લોકો અન્ય ખાદ્ય તથા અન્ય વપરાશના તેલનો ઉપયોગ ઘટાડીને મગફળીના તેલનો વધુ ઉપયોગ કરે તેવી શક્યતા છે. ફકત પ ટકાનો ય વધારો જો આ તેલમાં થાય તો સરકારે ટેકાના ભાવે કયારેય ખરીદી ન કરવી પડે એવો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
સોમાના પ્રમુખ સમીરભાઈ શાહે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ૧૫.૫૨ લાખ હેકટરમાં મગફળીનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું. આ વર્ષે વરસાદ રહ્યો હોવાથી સારું ઉત્પાદન થયું છે અને ગત વર્ષ કરતાં આ ઉત્પાદન બેવડાઈ ગયું છે. કેટલાય વર્ષો પછી દેશમાં મગફળીના ઉત્પાદનમાં આટલો વધારો નોંધાયો છે. દેશમાં ખાદ્યતેલનો કુલ વપરાશ ૨૫૦ લાખ ટન છે. એમાં સીંગતેલનું ઉત્પાદન ૮ લાખ ટન છે જેમાં ગુજરાતનો વપરાશ ફકત બેથી સવા બે લાખ ટન જ હોય છે.

