રાજ્યમાં મન મૂકીને વરસાદ વરસ્યો

Wednesday 19th July 2017 08:48 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છ સાબરકાંઠામાં ૧૪મી જુલાઈથી અવિરત મેઘ મહેર થઈ છે. ૧૪મીથી રાજ્યના ૫૧ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો હતો. ૧૪મીથી ૨૪ કલાકમાં સાપુતારમાં પાંચ ઈંચ વરસાદને પગલે ગીરાધોધમાં પાણીની ભારે આવક થતાં પ્રવાસીઓ માટે દક્ષિણ ગુજરાતના ધોધ નજીક જવા પ્રતિબંધ મુકાઈ ગયો છે. ૧૫મી જુલાઈએ ડાંગનાં સુબીરમાં ૬૮ મિ.મી.થી વધારે અને સાપુતારામાં ૫ ઇંચથી વધુ વરસાદ થયો હતો. આહવામાં ૧૫મીએ ૬૮ મિ.મી.થી વધુ નોંધાયો હતો. ઉપવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા કાંઠાના ગણદેવી તાલુકાના ૨૨ અને ચીખલી તાલુકાના ૧૦ ગામોને ૧૬મીએ અલર્ટ કરાયા હતા. ગણદેવીમાં મંગળવારે પણ પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો.
૧૫૦૦નું સ્થળાંતર
રાજ્યમાં પૂરની સ્થિતિ સર્જાતા કુલ ૧૫૦૦ લોકોનું સ્થળાંતર કરાયું છે જ્યારે ૩ના દીવાલ પડવાથી તેમજ વીજળી પડવાથી મોત થયા છે. વિવિધ સ્થળે ફસાયેલા ૧૦૦ જેટલા લોકોને બચાવી લેવાયા છે. ભારે વરસાદને પગલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૪મી જુલાઈએ તાકીદની બેઠક બોલાવી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી મહેસૂલ વિભાગના અગ્રસચિવ પંકજકુમારે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. પંકજકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૪મી જુલાઈએ ૧૧ તાલુકામાં ૧૨૫ મિ.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. ચોટીલા અને ટંકારામાં સૌથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ ૨૦ ટકા વરસાદ નોંધાયો છે.
સાબરકાંઠામાં બાલારામ નદી અને દાંતા ડેમમાં પાણીની સપાટીને તંત્ર દ્વારા ભયજનક જાહેર કરાતાં આસપાસના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને નદી નાળા ડેમ નજીક ન જવાની ચેતવણી અપાઈ હતી. ઉત્તર ગુજરાતમાં સતત વરસાદના કારણે પોશીનાના મામપીપલા, આંજણી, દેલવાડા, છોછર, દેમતી અને હુડિયા ગામોને સાવચેત કરાયા હતા. ૧૬મી જુલાઈથી અમદાવાદ પંથકમાં છૂટાછવાયા વરસાદ પછી ૧૮મી જુલાઈએ સવારે વરસેલા વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં.
સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં ૧૪મીથી ૧૫ કલાકમાં ૨૪ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદને કારણે નાયકા ડેમના ૨૦ દરવાજા ખોલી નંખાયા હતા. ચોટીલામાં મોરસણ, ત્રિવેણી, ડાંગા ડેમ ઓવરફલો થયા હતા. સુરેન્દ્રનગરમાં બે પુલ બંધ થતાં ૧૪મીએ બે લોકો ફસાયા હતા તેમને રેસક્યુ ઓપરેશનથી બચાવાયા હતા. સુરેન્દ્રનગર નજીક મુળાવાવ ચામુંડા મંદિરની આજુબાજુ પાણી ભરાતાં પુજારી પરિવારને બચાવી લેવાયો હતો. ૧૬મી જુલાઈએ રાજકોટ સુરેન્દ્રનગર પંથકમાં અતિવરસાદના પાણીમાં અનેક પશુઓ તણાયા હોવાના પણ અહેવાલ હતા.
રાજકોટમાં ૧૫મી જુલાઈએ ૧૪ કલાકમાં ૧૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય દ્વારકા, મોરબી, ટંકારા, રાજકોટ, જામનગર પંથકમાં ૧૬મી અને ૧૭મી જુલાઈના ૪૮ કલાકમાં વીસ ઈંચથી વધુ વરસાદ થયો હતો. અમરેલીના બાબરા ગ્રામ્ય અને ધ્રોલના ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે છ ઈંચ વરસાદ વરસ્યો હતો. ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં બે કલાકમાં ચાર ઈંચ, કપરાડામાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. અમરેલી-પાલિતાણા-ગારિયાધાર હાઈવે તેમજ નાના લીલિયા પાસે ગાગડિયા નદીના કોઝ-વે પર સોમવારે પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. બાબરાના ઘૂઘરાળા સહિતના કેટલાક ગામમાં જળબંબાકારની સ્થિતિ હતી.
કચ્છમાં બારે મેઘ ખાંગા
સોમવારે કચ્છના કંડલામાં ચાર કલાકમાં આઠ ઈંચ અને ગાંધીધામમાં દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. માંડવીનું ટોપણસર તળાવ પાણીથી ઓવરફ્લો થયું હતું. રાપરમાં સોમવારે એક જ દિવસમાં ૧૧ ઇંચ, મુંદ્રામાં ૬ ઇંચ, અંજારમાં સાડા પાંચ ઇંચ, લખપત-માંડવી, નખત્રાણામાં ૪ ઇંચ, અબડાસામાં સાડા ૩ ઇંચ, અને ભચાઉ-ગાંધીધામમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો.
ખેડૂતો ખુશ
સૌરાષ્ટ્ર, કચ્છ અને સાબરકાંઠામાં સહિતમાં ગામેગામ મેઘરાજાની મહેર છે તેથી ખેડૂતો ખુશ છે. આભમાંથી કાચુ સોનું વરસતાં ધરતીપુત્રોમાં આશાનો સંચાર થયો છે અને સારા વરસાદના લીધે સારો પાક લઈ શકાશે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter