રાજ્યમાં મિની વેકેશનનો માહોલઃ પર્યટન સ્થળો હાઉસફુલ

Wednesday 24th August 2022 05:33 EDT
 
 

અમદાવાદ: રક્ષાબંધન, સ્વાતંત્ર્ય પર્વ, પતેતી ઉપરાંત શનિ-રવિવારની રજાને પગલે ગુજરાતીઓ વીકેન્ડનો આનંદ માણવા સહપરિવાર સાથે ફરવા નીકળી પડ્યા છે. શોર્ટ ડેસ્ટિનેશન ટુર પેકેજનું ફૂલ બુકિંગ થયું છે જેના કારણે ટુર ઓપરેટરોને પણ બખ્ખા થયા છે. વીકેન્ડને કારણે ગુજરાત અને રાજસ્થાનના હિલ સ્ટેશન-બીચ પર જાણે ભીડ ઉમટી છે. આ ઉપરાંત ફરવાના સ્થળોએ હોટેલ, રિસોર્ટ હાઉસફૂલ થયા છે. માઉન્ટ આબુમાં તો એક તબક્કે પાર્કિંગ ફૂલ થઇ જતાં પ્રવાસીઓની એન્ટ્રી જ બંધ કરી દેવાની ફરજ પડી હતી.
કોરોનાની વિદાય બાદ ફરી એક વાર ટુરિઝમને વેગ મળ્યો છે. લોકો હવે મુક્તમને ફરી રહ્યા છે. એક સમયે ટુરિઝમ વ્યવસાય જાણે ઠપ્પ થયો હતો પણ હવે આ વ્યવસાયે ગતિ પકડી છે. રક્ષાબંધન, 15મી ઓગષ્ટ સહિતની રજાઓને લીધે લોકોએ બે-ત્રણ દિવસના શોર્ટ ટુર પર જવાનું નક્કી કર્યું હતું. ટુર ઓપરેટરોનું કહેવું છે કે આ વીકેન્ડમાં ગુજરાતીઓએ ચોમાસાની ઋતુમાં સાપુતારા, ગીર-સાસણ ઉપરાંત દિવ-દમણ પર પસંદગી ઉતારી હતી.
બુકિંગમાં 40 ટકાનો વધારો
આ ઉપરાંત કેટલાંય પરિવારો રાજસ્થાનમાં કુંભલગઢ, જેસલમેર, ઉદેપુર, માઉન્ટ આબુ સહિતના સ્થળે પહોંચ્યા છે. આ વખતે ત્રણ દિવસીય ટુર પેકેજમાં ધુમ બુકિંગ થયું હતું. ગત વખત કરતાં આ વખતે ટુર બુકિંગમાં 40 ટકાનો વધારો થયો છે. ટુર પેકેજમાં ભાવમાંય વધારો થયો છે. આમ છતાંય લોકો રજાઓનો આનંદ માણવા હિલ સ્ટેશનથી માંડીને બીચ પર ફરવા ઉપડ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter