રાજ્યમાં મેઘ મહેરઃ માંડવીમાં ૪૮ કલાકમાં ૧૫ ઇંચ વરસાદ

Tuesday 23rd June 2020 17:14 EDT
 
 

ગાંધાનગર: ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી જતાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ધીમોથી અનરાધાર વરસાદ શરૂ થઈ ગયો છે. વરસાદમાં પણ સામાન્ય રીતે કોરા ધાકોર રહેતા કચ્છના માંડવી વિસ્તારમાં પ્રથમ વરસાદમાં જ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ જોવા મળી છે. કચ્છના માંડવીમાં રવિવાર અને સોમવાર સવાર સુધી ૪૮ કલાકમાં ૧૫ ઇંચ વરસાદ ખાબકતા અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ઊભી થઇ છે. મેઘરાજા મન મૂકીને વરસતા પ્રથમ વરસાદમાં જ શહેરોનું ટોપણસર તળાવ પાણીથી છલોછલ થઈ ગયું છે. 
માડવીમાં રૂકમાવતીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. શહેરના નીચાણવાળા રામેશ્વર વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતાં. અહીં રસ્સી વડે લોકો અને પશુઓને પણ રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૦માં પણ માંડવીમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે માત્ર ૧૨ કલાકમાં ૨૪ ઇંચ વરસાદ પડી ગયો હતો. કચ્છના માંડવીમાં ૨૧મીએ ૭ ઇંચ બાદ બીજા દિવસે સોમવારે ફરી ૮ ઇંચ વરસાદ ખાબક્યો હતો. અબડાસા તાલુકાના ડુમરાથી સાંઘીપુરમ, કાંઠાળ ખુઅડા, સુથરી, સાંધાણ, બેરા, આધાપર, કડુલી, કોઠારા, ખીરસરા સહિતના વિસ્તારમાં બેથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. નલિયા, રામપર અબડા, તેરા, સુખપર, કણોઠિયા, ભાચુંડા, સાંધવમાં એકથી દોઢ ઇંચ વરસાદ થતાં ખેડૂતો વાવણીમાં જોતરાયા હતા.
સુથરીનો કાલાકોટ ડેમ ભરાવાની તૈયારીમાં હોવાનું તંત્રએ જણાવ્યું હતું. કચ્છના મુન્દ્રામાં પણ ત્રણ ઇંચ તથા જિલ્લામથક ભુજ અને નખત્રાણામાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અબડાસા તાલુકાના ગામોમાં પણ મેઘમહેર થઇ હતી. સૌરાષ્ટ્રમાં રવિવારે રાત્રે અમુક જગ્યાએ ઝાપટાં તો અમુક જગ્યાએ સવા ઈંચ વરસાદ પડ્યો હતો. કોડીનાર પંથકમાં ૪૦ મિમી, ગીર ગઢડા ૧૪ મિમી, તાલાળા ૧૦ મિમી, વેરાવળ ૪૩ મિમી, સુત્રાપાડા ૩૭ મિમી, કેશોદ ૪૦ મિમી, માળિયા ૧૩ મિમી, વંથલી ૧૪ મિમી વરસાદ નોંધાયો હતો જ્યારે વંથલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં પણ ઝાપટાં પડ્યા હતા. જામનગર ઉપરાંત જોડિયા અને જામજોધપુરમાં સોમવારે હળવા ભારે ઝાપટાં વરસ્યા હતા. જયારે જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારથી લઈને રવિવારે મોડી રાત સુધી અવિરત વરસાદથી એકથી બે ઇંચ પાણી પડયું હતું. મંગળવારે વાંસજાળીયામાં બે, સમાણામાં પોણા બે, જામવાડીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં પણ સોમવારે અને મંગળવારે છુટો છવાયો વરસાદ નોંધાયો હતો. લાઠી તાલુકામાં કુલ ૨૭ મિમી વરસાદ નોંધાયો હોવાનું જણાયું છે.

દક્ષિણ ગુજરાતમાં આમ તો કમોસમી વરસાદ બાદ ૧૬મી જૂનથી રોજ વરસાદ પડી રહ્યો છે. રાજપીપળા નજીકના જંગલ વિસ્તારમાં સારો વરસાદ થઈ રહ્યો છે અને નવસારી વાપીમાં પણ રોજનો એકથી બે ઈંચ વરસાદ થઈ રહ્યો છે. વલસાડના ઉમરગામમાં કુલ ૯ મિમી અને નવસારી જિલ્લામાં વાંસદામાં ૭ મિમી વરસાદ એક જ દિવસમાં નોંધાયો હતો. સોમવારે વહેલી સવારથી સુરત શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો. વહેલી સવારે ૪થી ૮ વાગ્યાના અરસામાં સુરત શહેરમાં એક થઈ બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે જિલ્લામાં પણ ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જો કે બપોર પછી વરસાદે વિરામ લીધો હતો. 
મધ્ય ગુજરાતમાં દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારમાં સોમવારે હળવા ઝાપટા થયાં હતાં. ડભોઈ તાલુકામાં ઠેર ઠેર એકથી દોઢ ઈંચ વરસાદ મંગળવારે નોંધાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter