રાજ્યમાં મેઘમહેરઃ વલસાડ - વાપી પાણી પાણી

Wednesday 10th July 2019 06:44 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્યમાં દરેક જિલ્લામાં છુટોછવાયો વરસાદ શરૂ થઈ ગયો છે. છઠ્ઠી જુલાઈથી રાજ્યમાં ઠેર ઠેર ઝાપટાં વરસી રહ્યાં છે. દક્ષિણ ગુજરાતમાં વાપી, વલસાડ જિલ્લામાં અષાઢી મેઘ ગર્જનાએ તમામ તાલુકાને ઘમરોળી મૂક્યા છે. છઠ્ઠીએ અમદાવાદ સહિત મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ઓછોથી અતિ વરસાદ થયો હતો. જોકે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. રવિવારે મળસ્કે વાપીમાં માત્ર બે જ કલાકમાં ૪ ઇંચ વરસાદ ખાબકતાં વાપી વરસાદી પાણીમાં ઘેરાયું હતું. વાપીમાં પડેલા ૧૦.૫ ઇંચ વરસાદના કારણે ગુંજન વિસ્તાર તથા બિલખાડી નજીકની સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતાં. લોકોએ પોતાનો માલસામાન બચાવવા ભારે દોડધામ કરી હતી. આ ઉપરાંત નોટિફાઇડ અને નગરપાલિકાની પ્રિમોનસૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા હતા.

સેલવાસમાં રવિવારે ૨૪ કલાકમાં ૧૧થી વધુ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ખેરગામમાં ૮ કલાકમાં ૬ ઇંચ વરસાદથી જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સરીગામ જીઆઇડીસી ઉપરાંત સરીગામ ગામમાં પણ મુખ્ય બજારમાં વરસાદી પાણીનો ભરાવો થતાં લોકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો. કપરાડામાં ભારે વરસાદનાં પગલે કોલક નદીના પુલ ઉપર ગાબડું વાહન ચાલકો માટે જોખમ સર્જાયું હતું. ઉમરગામ તાલુકામાં ૧૩ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતાં. વલસાડ જિલ્લામાં રવિવારે ૨૨ કલાકમાં ઉમરગામમાં ૧૩ ઇંચ, વાપી ૧૦.૫ ઇંચ, ધરમપુર ૭ ઇંચ, પારડી ૬.૫ ઇચ, વરસાડ ૮ ઇંચ વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. સોમવારે અને મંગળવારે પણ દક્ષિણ ગુજરાતના સુરત, વાપી, વલસાડમાં જુદા જુદા વિસ્તારોમાં ઓછામાં ઓછો એકથી ત્રણ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. વડોદરામાં રવિવારે રાત્રે અઢીથી ત્રણ ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ડભોઈમાં ૪ અને વાઘોડિયામાં ૩ ઇંચ વરસાદ પડ્યો હતો. નડિયાદમાં પણ ૪ ઇંચ વરસાદ પડ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં અરવલ્લીના મોડાસા-માલપુર-બાયડ અને ધનસુરામાં રવિવારે એક જ રાત્રીમાં પોણા બે ઇંચ વરસાદ ખબાક્યો હતો જ્યારે સાબરકાંઠામાં પોશીનામાં ૨.૫ ઇંચ, પ્રાંતિજ સવા બે ઇંચ વરસાદ થયો હતો. તલોદમાં રવિવારે અને સોમવારે પણ ૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. વિજયનગરમાં સોમવારે દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

વલસાડ મસ્લામાં ટોકર ખાડીમાં ખેડૂત તણાયો

વલસાડ તાલુકાના મારલા ગામમાં આવેલ ટોકર ખાડીમાં ૪૦ વર્ષીય ખેડૂત રમેશ પટેલ પોતાના ખેતરેથી પાછા ફરતી વખતે વરસાદી પાણીમાં તણાઈ ગયો હતો. ઘટનાની જાણ ડિઝાસ્ટર અને વલસાડ ફાયરની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી રમેશભાઈનો મૃતદેહ શોધવાની કામગીરી શરૂ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter