રાજ્યમાં વરસાદની ૭૫ ટકાની ઘટ વર્તાય છે

Wednesday 27th July 2016 07:15 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં ખેંચાયેલાં વરસાદથી ભારે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. અત્યાર સુધી એટલે કે ૨૪મી જુલાઈથી સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ ૨૦૨.૨૬ મિલિમીટર વરસાદ થયો છે. જે ૧૯૮૫થી ૨૦૧૫ સુધીમાં સરેરાશ ૭૯૭ મિલિમીટર વરસાદના માત્ર ૨૫.૩૭ ટકા જ વરસાદ છે એટલે કે હાલમાં રાજ્યમાં વરસાદની ૭૫ ટકા ઘટ છે.
રાજ્યના મહેસૂલ વિભાગના હેઠળના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે ૨૬મી જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૫૬ મિલિમીટર એટલે કે ૨૩.૧૨ ટકા, અમદાવાદને સમાવતા પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં સરેરાશ ૧૭૩ મિલિમીટર અર્થાત ૨૧.૮૧ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૬૧ મિલિટમીટર એટલે કે ૨૪.૭૧ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં સરેરાશ ૩૮૭ મિલિમીટર એટલે કે ૨૮.૪૪ ટકા તેમજ કચ્છ પ્રદેશમાં સરેરાશ ૪૭ મિલિમીટર એટલે કે ૧૧.૯૧ ટકા વરસાદ થયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસામાં સૌથી ઓછો વરસાદ ૪.૩૧ ટકા એટલે કે સરેરાશ ૧૮ મિલિમીટર વરસાદ કચ્છના ગાંધીધામમાં થયો છે. આણંદના આંકલાવમાં પણ માત્ર ૪.૬૭ ટકા, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પણ ૪.૪૫ ટકા જેટલો નહીવત વરસાદ થયો છે. અમદાવાદ જિલ્લામાં સરેરાશ ૧૫.૦૫ ટકા વરસાદ નોંધાયો છે. જે પૈકી અમદાવાદ શહેરમાં કુલ સરેરાશ ૧૨.૨ મિલિમીટર યાને ૧૬.૪૧ ટકા જ વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યમાં સૌથી વધુ ૫૫.૯૩ ટકા વરસાદ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં નોંધાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter