રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ ૮૪ ટકા ખરીફ પાકોને જીવતદાન

Wednesday 22nd August 2018 07:09 EDT
 
 

ગાંધીનગરઃ આમ તો શ્રાવણ માસમાં વરસાદના સરવડા એટલે કે વરસાદ ધીમી ધારનો થાય, પરંતુ વરસાદની પેટર્ન બદલતાં રાજયમાં ચોમાસનો બીજો રાઉન્ડ ધમાકેદાર રીતે ૧૬મીથી શરૂ થયો હતો. ૧૭મી ઓગસ્ટે ખેડાના કપડવંજમાં સવારે ૮થી ૧૦ વાગ્યા સુધીના સમયગાળામાં છ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ૧૭મીથી મધ્ય પૂર્વ ગુજરાત અને કચ્છને પણ વર્ષાએ તરબોળ કર્યું હતું. ૧૭મીથી શરૂ થયેલા બીજા રાઉન્ડમાં રાજ્યના ૧૧૯ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે.
૧૮મી ઓગસ્ટે ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાત, કચ્છમાં ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ગોધરામાં પાંચ ઇંચ, કલોલ, સાણંદમાં સવા ચાર ઈંચ અને માતર અમદાવાદ શહેર, બાલાસિનોર, સોજીત્રા, જેતપુર પાવી જેવા તાલુકાઓમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના બીજા રાઉન્ડમાં ૫૮ પૈકી ૨૫ તાલુકાઓમાં બેથી પાંચ ઇંચ અને ૩૩ તાલુકાઓમાં એક ઈંચ વરસાદ થયો. ઉત્તર-મધ્ય-પૂર્વ ગુજરાત અને તેને અડીને આવેલા રાજસ્થાન-મધ્ય પ્રદેશના સ્ત્રાાવક્ષેત્રોમાં વરસાદને કારણે વાત્રક, મેશ્વો, મહી, સાબરમતી, બનાસ, ખારી જેવી નદીઓમાં નવાં પાણીની આવક થઈ છે.
નવાપુરમાં ૬ ઇંચ વરસાદ
૨૦મી ઓગસ્ટે મોડી રાત્રે ઉત્તરડાંગ અને મહારાષ્ટ્રના ચરણમાળ ઘાટમાં મુશળધાર વરસાદના પગલે નવાપુર સહિત સાતેક જેટલા ગામોમાં તારાજી સર્જાઈ છે. રંગાવલી અને સરફણી નદીમાં ઘોડાપુર આવતાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષ પૂરના પાણીમાં ખેંચાઈ ગયા હતાં. ત્રણની લાશ મળી છે. જ્યારે ત્રણનો હજુ પત્તો લાગ્યો નથી.
ખેડૂતોમાં રાહત
ગુજરાતમાં ઓગસ્ટ માસના પ્રથમ બે સપ્તાહ સુધી વરસાદનું પ્રમાણ સાધારણ રહેતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાવવા લાગ્યા હતા. જોકે, છેલ્લા ચાર દિવસ દરમિયાન રાજ્યના અનેક જિલ્લામાં વ્યાપક વરસાદ પડતાં ૮૪.૩૯ ટકા જેટલા વિવિધ ખરીફ પાકોને જીવતદાન મળ્યું છે. સામાન્ય વાવેતર વિસ્તાર ૮૫.૬૫ લાખ હેક્ટર સામે આ વર્ષે ૭૨.૨૯ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.
તાજેતરના વરસાદ પછી ખાસ કરીને દિવેલ, કઠોળ, ગુવાર, જુવાર,બાજરી તથા ઘાસચારાના પાકોનું નવું વાવેતર હાથ ધરવામાં આવશે. કૃષિ નિયામક ભરત મોદીએ જણાવ્યું હતું કે, 'મુખ્ય પાક કપાસનું સામાન્ય વાવેતર કરતાં ૧૦૨.૭૬ ટકા જેટલું એટલે કે ૨૬.૭૪ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.
ખેડૂતોએ કુલ ધાન્ય પાકોનું ૧૨.૪૧ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરેલું છે, જે સામાન્ય વાવેતરના ૯૨.૫૦ ટકા છે. મગફળીનું વાવેતર સામાન્ય વાવેતરના ૯૬.૮૭ ટકા એટલે કે ૧૪.૬૫ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. આવી જ રીતે કુલ કઠોળ પાઠક ૪.૦૫ લાખ હેક્ટરમાં ખેડૂતોએ લીધા છે, જે સામાન્યના ૭૦.૬૧ ટકા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter