રાજ્યમાં વહેલું ચોમાસું બેસવાનો વરતારો

Wednesday 03rd April 2019 07:36 EDT
 
 

અમદાવાદઃ હોળીની ઝાળના આાધારે વરસાદનો વરતારો વ્યક્ત કરવાની એક પરંપરા આપણે ત્યાં ચાલી આવે છે. આ મુજબ વર્ષા વિજ્ઞાનના જાણકારો દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગુજરાતમાં આ વખતે ચોમાસાનું વહેલું આગમન થશે. સંભવતઃ જૂનના પ્રથમ સપ્તાહમાં જ વરસાદનો પ્રારંભ થઈ જશે.
ગુજરાતમાં આગામી વર્ષ વરસાદની રીતે સારું જવાની સંભાવના વ્યક્ત કરતા વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય જૂનાગઢ વંથલીના રમણિકભાઈ વામજાએ જણાવ્યું હતું કે, હોળીના પર્વમાં દિવસ આથમે ત્યારથી ૯૬ મિનિટ અને હોળી પ્રગટે ત્યારથી ૯૬ મિનિટ પવનની દિશા જોવાની હોય છે. તેના આધારે વરસાદની સ્થિતિ નક્કી થઈ શકે છે.
આ વખતે શરૂઆતની ૬૬ મિનિટ પવનની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ અને બાદમાં ૩૦ મિનિટ વાયવ્યથી અગ્નિ તરફની રહી હતી. આ બાબત તોફાની વરસાદનું સૂચન કરે છે. રાજ્યના કોઈપણ વિસ્તારમાં આ વખતે અતિવૃષ્ટિ થશે. વનસ્પતિઓનું અવલોકન પણ હકારાત્મક રહ્યું છે. આંબામાં મોર, ચણી બોર, કેસૂડાના ફૂલ, દેશી આંબલી, લીમડાના મોર સારા ખિલ્યા છે.
આ બાબત વહેલું ચોમાસું બેસવાની નિશાની છે. જો કે ચોમાસું વહેલું બેસવા છતાં ગુજરાતમાં વાવણી બે-ત્રણ તબક્કામાં થશે. રાજ્યમાં પ્રથમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવણી થશે. હજુ આગામી અખાત્રીજ સહિતની તિથિઓના આાધારે ચોમાસાનું ચોક્કસ તારણ કાઢી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter