રાજ્યમાં વૈશાખે અષાઢ જામ્યો છે! કમોસમી વરસાદે 15ના જીવ લીધા

Wednesday 07th May 2025 06:54 EDT
 
 

અમદાવાદઃ રવિવારથી પલટાયેલા હવામાનને પગલે રાજ્યભરમાં સોમવારથી તીવ્ર પવનના સૂસવાટા અને વીજળીના કડાકાભડાકા સાથે તોફાની કમોસમી વરસાદ પડી રહ્યો છે. અને હજુ પાંચ દિવસ આવો જ માહોલ રહેવાનો હવામાન ખાતાનો વર્તારો છે. વાવાઝોડા સાથે પડેલા વરસાદે અલગ અલગ ઘટનાઓમાં 15 વ્યક્તિઓનો ભોગ લીધો છે.
સોમવાર સાંજથી અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, ખેડા-આણંદ, વડોદરા, સુરત ઉપરાંત રાજકોટ સુરેન્દ્રનગર, ભાવનગર, કચ્છ, સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. સોમવારે સાંજે તો અનેક વિસ્તારોમાં તોફાની પવન સાથે વ્યાપક પ્રમાણમાં કરા પણ વરસ્યા હતા. મોટાભાગના વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે તોફાની વરસાદ પડ્યો હતો. વીજળીના તીવ્ર કડાકા સાથે અમદાવાદ, ઉત્તર ગુજરાત, ચરોતર સહિતના અનેક વિસ્તારોમાં અનેક ઠેકાણે બરફના કરા પણ પડયા હતા. કચ્છ જિલ્લામાં રાપર તાલુકાના જાટાવાળા, કલ્યાણપર અને ખડીર બેટના ધોળાવીરા ગામે બપોર પછી કરાનો વરસાદ પડ્યો હતો.
રાજકોટ શહેરમાં સોમવારે બપોરે બાદ અચાનક વાતાવરણમાં પલટાયુ હતું અને અનેક વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદનું ઝાપટું વરસ્યું હતું. બોટાદમાં ભારે પવન ફૂંકાતા ભાવનગર રોડ પર રસ્તા પર લગાવેલું હોર્ડિંગ્ઝ પરાશાયી થયું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં કરા સાથે માવઠું વરસ્યું હતું. કચ્છમાં રાપર તાલુકાના જાટાવાડા, બાલાસર, ધબડા અને આણંદપર સહિતના ગામોમાં ગાજવીજ સાથે કરાનો વરસાદ પડયો હતો.
દાહોદમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો
દાહોદ જિલ્લામાં પ્રચંડ વાવાઝોડાની વિનાશક અસરથી 8 ગામોમાં શોર્ટ સરકિટ અને ચુલાના તણખા ફેલાતાં લાગેલી આગમાં 20 ઘર સળગી ગયાં હતા. 45 મિનિટ સુધી ચાલેલા વાવાઝોડામાં 200 જેટલા પોપટ મરણ પામ્યા હતા. વીજ થાંભલા-કેબલ તૂટી જતાં શહેરમાં અંધારપટ સર્જાયો હતો.
અત્ર-તત્ર-સર્વત્ર વરસાદ
રાજ્યના 53થી વધુ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. સૌથી વધુ વરસાદ ભાવનગરના શિહોરમાં 1.46 ઇંચ, ભાવનગરમાં 1 ઈંચ, માણસામાં 0.94 મીમી, નડિયાદમાં 0.87 મીમી, વડોદરામાં 0.79 મીમી, દિયોદર અને સોજિત્રામાં પોણો ઇંચ, કપડવંજ અને વસોમાં 63 મીમી, ધોળકામાં 0.59 મીમી, તારાપુર અને બરવાળામાં 51 મીમી, મહેમદાવાદમાં 0.39 મીમી વરસાદ નોંધાયો હતો.
તોફાની વરસાદ અને વાવાઝોડાને પગલે સંખ્યાબંધ સ્થળોએ વીજથાંભલા-કેબલ તૂટતાં ઠેર ઠેર અંધારપટ સર્જાયો હતો.
વરસાદ વેરી બન્યો
અમદાવાદ-ધોળકા માર્ગ પર ભારે પવનના કારણે હોર્ડિંગ રીક્ષા ઉપર પડતાં તેના ચાલકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે આણંદમાં સર્કિટ હાઉસની બહાર દીવાલ અને વૃક્ષો તૂટી પડતાં દબાઈ ગયેલી વૃદ્ધાનું મોત થયું હતું. વડાદરાના સુભાનપુરામાં ભારે વરસાદમાં થાંભલેથી તૂટી પડેલા જીવંત વીજ વાયરનો પાણીમાં કરંટ ફેલાતો ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવાનને આંચકો લાગતાં સ્થળ પર જ તેનું મોત થયું હતું. ઉપરાંત દાહોદ જિલ્લાના ધાનપુરના રૂવાબારી ગામે એક યુવતી ઉપર ઝાડ પડતાં તેનું મૃત્યુ થયું હતું. દર્પણ રોડ ઉપર એક વ્યક્તિનો હાથ કપાઈ ગયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter