રાજ્યમાં સગીરાઓ પર દુષ્કર્મના ૧,૬૯૭ કેસઃ ફક્ત ૧૭ને જ સજા

Wednesday 11th December 2019 05:37 EST
 

ગાંધીનગરઃ રાજ્યમાં સગીર વયની બાળકીઓ પર દુષ્કર્મ અને અડપલાંના એટલે કે પોક્સોના કેસમાં સજાનું પ્રમાણ માત્ર ૦.૭૦ ટકા છે. પોક્સોમાં સજાના મામલે ગુજરાત નીચલા ક્રમે બીજા સ્થાને છે. દેશના પાંચ રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશના ઝીરો ટકા પછી ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૭માં પોક્સોના ૧૬૯૭ કેસ દાખલ થયા હતા જે પૈકી માત્ર ૧૭ નરાધમોને સજા ફટકારાઈ છે એટલે કે આવા ૧૨ ટકા કેસમાં જ સજા મળી છે. છઠ્ઠી ડિસેમ્બરે સવારે લોકસભામાં કેન્દ્રના મહિલા અને બાળ વિકાસ વિભાગે આ માહિતી આપી હતી. રાજ્યના ૧,૬૯૭ કેસ પૈકી ૧,૭૧૨ કેસમાં ચાર્જશીટ થઈ છે. જેમાં ૨,૩૩૩ આરોપીઓની ધરપકડ કરાઈ છે. પોક્સોના કુલ કેસ પૈકી આઈપીસી ૩૭૬ એટલે કે દુષ્કર્મના ૧,૨૩૩ કેસ બન્યા છે, જેમાં ૯ કેસમાં ૧૧ આરોપીને સજા ફટકારવામાં આવી હતી.
તટસ્થ તપાસ માટે પાંચ સભ્યની સમિતિ રચાશે
ઉલ્લેખનીય છે કે પાંચમી ડિસેમ્બરે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયું છે કે ગુજરાતમાં બળાત્કારના કેસમાં તટસ્થ તપાસ માટે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે પાંચ સભ્યોની સમિતિ રચાશે. દુષ્કર્મ અને છેડતીના કેસમાં યોગ્ય સૂચનો કરવા પાંચ સભ્યની એક સમિતિની રચના કરવાનો નિર્ણય ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ લીધો છે.
ગૃહ વિભાગના મુખ્ય સચિવના અધ્યક્ષપદે પાંચ સભ્યોની સમિતિની રચના કરાશે. મુખ્યપ્રધાને ભવિષ્યમાં આ પ્રકારના બનાવો ન બને અને તે માટે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, દુષ્કર્મ આચરનારા કસૂરવારોને કડકમાં કડક સજા થાય તેવી જોગવાઈ પણ કરવામાં આવશે. પાંચ સભ્યોની સમિતિની બેઠક દર પંદર દિવસે એકવાર મળશે અને ગુજરાતમાં બનેલી ઘટનાઓની સમીક્ષા કરશે.
ગુજરાતમાં આ પ્રકારના બનાવો ન બને તે માટે પ્રવર્તમાન ગાઈડલાઈન્સમાં કેવા ફેરફારો કરવા જરૂરી છે તે અંગે સૂચનો કરશે. ગૃહવિભાગના સચિવ ઉપરાંત કાયદા વિભાગના સચિવને પણ આ કમિટીમાં સ્થાન આપવામાં આવશે. તદુપરાંત ગુજરાતના ડીજીપી અને સીઆઈડી ક્રાઈમના એડિશનલ ડીજીપીને પણ આ સમિતિમાં સભ્ય તરીકે સ્થાન આપવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter