ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસામાં સરેરાશ કુલ લગભગ ૩૨ ઈંચ વરસાદ પડે છે. ૩૦ જુલાઇ સુધીમાં રાજ્યમાં સરેરાશ કુલ અંદાજે ૨૦ ઈંચ જેટલો વરસાદ થઇ ચૂક્યો છે. જે સિઝનના કુલ સરેરાશ વરસાદની સામે ૫૯.૮૧ ટકા છે. જોકે, આ વરસાદ પૈકી મોટાભાગનો વરસાદ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પડ્યો છે. જ્યારે મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ સારા વરસાદની જરૂર છે. કચ્છમાં ચોમાસા દરમિયાન કુલ સરેરાશ સરેરાશની સામે ૧૧૭ ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં ૯૨ ટકા વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં સરેરાશ ૪૬ ટકા, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૪૫ ટકા અને સૌરાષ્ટ્રમાં સરેરાશ ૪૫ ટકા વરસાદ પડ્યો છે. સામાન્ય રીતે અમદાવાદ શહેરમાં ચોમાસામાં સરેરાશ અંદાજે ૩૧ ઈંચ વરસાદ પડે છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં કુલ ૬૨.૫૯ ટકા વરસાદ પડ્યો છે જ્યારે અમદાવાદ જિલ્લામાં કુલ સરેરાશ ૫૫.૯૧ ટકા વરસાદ પડ્યો છે.
ક્યાં ઓછો વરસાદ છે?
૧૦ જિલ્લામાં વરસાદ ઓછો પડ્યો છે. ઉત્તર ગુજરાતના જળાશયોમાં માત્ર ૩૩ ટકા, દક્ષિણ ગુજરાતના ડેમોમાં ૧૭ ટકા, જામનગરના જળાશયોમાં નવ ટકા, જૂનાગઢમાં ૧૮ ટકા, પોરબંદરમાં ૧૬, સુરેન્દ્રનગરમાં ૪૧, બોટાદમાં આઠ અને દ્વારકામાં ત્રણ ટકા જેટલું જ પાણી પડ્યું છે.

