અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ફરીથી મેઘરાજાની સવારી નીકળી છે. જુલાઈના બીજા અઠવાડિયાથી જોકે દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. એ સિવાય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાતમાં વરસાદે બ્રેક લીધા પછી ફરી વરસવાનું શરૂ કર્યું છે.
અમદાવાદમાં આખરે પધરામણી
આખરે સોમવારે ૭થી ૮ વાગ્યાના એક કલાકમાં અમદાવાદમાં સરેરાશ દોઢ ઇંચ તો કોટ વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો અને વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સંપૂર્ણ રાજ્યમાં ૨૧મીથી ૨૩મી સુધીમાં બે થી ત્રણ ઈંચ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. રાજ્યના ૨૭ જિલ્લા અને ૧૧૮ તાલુકામાં ૨૧મીથી વરસાદ વરસ્યો છે. હવે વરસાદ વરસ્યો ન હોય તેવા એક પણ તાલુકા નહીં હોવાનું સ્ટેટ ઈમરજન્સી સેન્ટરે જાહેર કર્યું છે. વીજળી પડવાના કારણે ૨૧મીએ બોટાદમાં બે યુવકના અને દેવગઢબારિયામાં એક મહિલા અને અબડાસામાં એક યુવકના મૃત્યુ થયાં હતાં.
દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ
સુરત જિલ્લામાં ૨૦મીએ રાત્રે ૧૨ વાગ્યાથી રવિવારે સવારે ૬ વાગ્યા સુધીમાં સુરત સિટીમાં ૩ ઇંચ, માંડવી, કામરેજ, મહુવામાં ૨ ઇંચ, બારડોલી, માંગરોળ, ઓલપાડ, પલસાણામાં એકથી દોઢ ઇંચ, વ્યારા, વાલોડ, ઉચ્છલ અને સોનગઢમાં ૨ ઇંચ, નિઝરમાં સવા ત્રણ ઇંચ, કુકુરમુંડા અને ડોલવણમાં દોઢ ઇંચ, નવસારીના ખેરગામમાં સવા ઇંચ, વાંસદામાં અડધો ઇંચ, વલસાડમાં ૧ ઇંચ, ધરમપુરમાં પોણો ઇંચ, કપરાડામાં અડધો ઇંચ, વાપીમાં ૭ મિમિ વરસાદ પડયો હતો. ૨૨મીએ પણ ડાંગ, નવસારી, વલસાડ, વાપીમાં સરેરાશ એકથી ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. ૨૭ અને ૨૮મીના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. ડાંગમાં ગિરવાણ, ગીરા, મીના સહિત આશરે પ૦ ધોધમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. જોકે તંત્ર તરફથી ધોધની વધુ નજીક નહીં જવાની ચેતવણી પણ અપાઈ છે.
સૌરાષ્ટ્રમાં સારો વરસાદ
સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં ૨૦મીએ રાત્રે જામજોધપુર પંથકમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. દ્વારકામાં ૨૧મીએ બપોરે એક કલાકમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં ૨૨મીએ પણ બેથી ચાર ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ૨૨મીએ સુરેન્દ્રનગરમાં ત્રણ ઈંચ, તુલસીશ્યામ ધોકડવામાં અનરાધાર ચાર ઇંચ, ટંકારામાં ૩, ધોરાજી ચાર ઈંચ, ટંકારામાં ૩, ધોરાજી, મોટી મારડ, ગીર ગઢડામાં ૨ ઈંચ, જેતપુર, માળિયા હાટીના તાલાળા ગીર, વેરાવળ, વીરપુર, આંબેચા ગીર, ચાંચાપર, મેંદરડામાં ૧, ખાંભા, જામકંડોરણા, ભેંસાણમાં અડધો ઈંચ, લાલપુર, જામજોધપુર, કલ્યાણપુર, કોટડાસાંગાણીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ૨૨મીએ કેશોદ, માંગરોળ, વંથલી અને વિસાવદરમાં વરસાદના ધોધમાર ઝાપટાં વરસ્યા હતા.
તાલાળા ગીરમાં ૨૨મીએ બપોરે ૨ વાગ્યા બાદ ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો જે એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. સાસણ ગીરમાં દોઢથી બે ઈંચ વરસાદ વરસ્યો હતો.
મધ્ય ગુજરાતમાં મેઘમહેર
મધ્ય ગુજરાતમાં ૨૦મીથી વરસાદના ફરી શરૂ થયેલા રાઉન્ડમાં વડોદરા શહેરમાં ૨૧મીએ ૨૪ કલાકમાં દોઢ ઇંચ, ભરૂચ જિલ્લામાં ભરૂચ અંકલેશ્વર, આમોદ, જંબુસર વાગરા, વાલિયા નેત્રંગ, ઝઘડિયા હાંસોટ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. નર્મદા જિલ્લામાં ૫૨ મિમિ, સાગબારા તાલુકામાં ૪૬ મિમિ, દેડિયાપાડા તાલુકામાં ૩૬ મિમિ, તિલકવાડા તાલુકામાં ૩૨ મિમિ, ગરૂડેશ્વર તાલુકામાં ૨૫ મિમિ વરસાદ નોંધાયો હતો. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં બે ઇંચ થયો હતો. ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ માટે મીટ માંડીને બેઠેલા ખેડૂતોમાં પણ આશા બંધાઈ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ૨૧મીએ છુટોછવાયો એકથી ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. કચ્છના ભુજ, માંડવી, નખત્રાણા, અંજાર, લખપત તેમજ અબડાસા તાલુકામાં અડધા ઇંચથી વધુ પાણી પડી ગયું હતું. રાજ્યમાં ૨૨મીએ વરસેલા વરસાદમાં ઉત્તર ગુજરાતમાં બેથી અઢી ઈંચ જ્યારે માઉન્ટ આબુમાં પણ ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો.


