રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરઃ ખેડૂતોમાં ખુશી

Tuesday 11th August 2020 16:03 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ પાંચમી ઓગસ્ટથી મધ્યમથી ભારે વરસાદ નોંધાયો છે તો મધ્ય ગુજરાતમાં વડોદરા સહિત છોટાઉદેપુર, ખંભાત, તારાપુર, આણંદ, સંખેડામાં સારો વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં મંગળવાર સુધીમાં સાર્વત્રિક ૩ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેર તથા જિલ્લામાં છઠ્ઠીથી મધ્યમ વરસાદ સાથે શહેરમાં ૯મી અનો ૧૦મી ઓગસ્ટે રોજિંદો સરેરાશ બે ઈંચ વરસાદ થયો હતો.
છોટા ઉદેપુરમાં ૬ ઈંચ વરસાદ
મધ્ય ગુજરાતમાં છઠ્ઠી ઓગસ્ટથી છુટોછવાયો વરસાદ શરૂ થયો હતો. સોમવારે મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થતાં સૌથી વધુ છોટા ઉદેપુર તાલુકામાં નોંધાયો હતો. સોમવારે એક જ દિવસમાં છોટા ઉદેપુરમાં ૬ ઈંચ વરસાદ થયો હતો. પાવીજેતપુર તાલુકામાં સોમવારે છેલ્લા ૨૪ કલાકમાં ૩.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. ક્વાંટમાં રવિવારે રાત્રે ૭૧ મિ.મી. વરસાદ ખાબક્યો હતો. સોમવારે પાદરામાં ૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. સોમવારે ખંભાત અને તારાપુરમાં ૪.૫, આણંદ-સંખેડામાં ૪ ઈંચ વરસાદ થયો હતો. દાહોદ અને છોટા ઉદેપુરમાં સાંબેલાધાર વરસાદ પડતાં ઓરસંગ નદીમાં પૂર આવ્યું હતું. જિલ્લાની અન્ય નદીઓ પણ બે કાંઠે વહી હતી.
વડોદરા જિલ્લામાં સોમ અને મંગળમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. વડોદરામાં સોમવારે પોણા ત્રણ ઈંચ વરસાદ વરસતાં ૩ જર્જરિત મકાનો જમીનદોસ્ત થયાં હતાં. એક ડઝનથી વધુ જગ્યાએ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયાનું નોંધાયું હતું. ઘણી જગ્યાએ શોર્ટ સર્કિટ થતાં વીજપ્રવાહ ખોરવાયો હતો. મધ્યમ વરસાદમાં જ શહેરમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયાં હતાં જે બે દિવસ સુધી ન ઉતરતાં લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતાં પ્રજાએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વર્ષા
દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં સોમવારે બે, ડોલવણના સોનગઢમાં ૧, સુરત જિલ્લામાં ઉમરપાડા - મહુવામાં ૧ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ચોયાર્સી અને બારડોલી તાલુકામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારી જિલ્લામાં અડધો ઈંચ વરસાદ અને વલસાડ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ
સૌરાષ્ટ્રમાં સાતમી ઓગસ્ટે જૂનાગઢ, ગીર – સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ થતાં નદી નાળાં અને ડેમ છલકાઈ ગયાં હતાં. છઠ્ઠી ઓગસ્ટથી સૌરાષ્ટ્રમાં જામેલા વરસાદી માહોલમાં સોમવારે જામજોધપુરમાં ૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. મંગળવારે રાજકોટ, આટકોટ, ધોરાજી, અમરેલી, જૂનાગઢ, જામનગરમાં એકાદ ઈંચ વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ પંથકમાં મંગળવારે સવારથી ધોધમાર વરસાદ વરસતાં રસ્તા પર પાણી ભરાયાં હતાં. દ્વારકામાં મંગળવારે ૧ કલાકમાં ૧.૫ ઈંચ વરસાદ વરસતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ભાવનગર પંથકમાં મંગળવારે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સાંજે પાંચ વાગ્યા સુધીમાં ભાવનગર શહેરમાં આશરે ૨૨ મિ.મી વરસાદ થયો હતો.
ચોમાસુ પાકને ફાયદો
ગુજરાતમાં ૫૭ ટકા વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. સારા વરસાદથી ચોમાસુ પાક જેમ કે ચોખા, કપાસ, મગફળી, તલ, મગ, મઠ, અડદ, મકાઈ સહિતના પાકને ફાયદો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter