ગાંધીનગરઃ ગુજરાતમાં ૨૫મી ઓગસ્ટની સવાર સુધીમાં ૧૦૬.૭૮ ટકા સુધી વરસાદ નોંધાયો હતો. ૧૫મી જૂનથી વિધિવત રીતે રાજ્યમાં ચોમાસુ બેઠાના ૭૨ દિવસમાં રાજ્યમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગે હજી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં કચ્છમાં ૨૧૩.૫૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૪૧.૩૫ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૯૨.૨૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૯૨.૨૨ ટકા અને મધ્ય ગુજરાતમાં ૮૦.૩૫ ટકા વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં ૮ જિલ્લાના તમામ તાલુકામાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના માંડવીમાં ૩૨૫ ટકા અને સૌથી ઓછો વરસાદ દાહોદના શિંગવાડમાં ૩૭ ટકા નોંધાયો છે. રાજ્યમાં ભારે વરસાદથી ૮૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકામાંથી ૧૧ તાલુકામાં ૨૦૦થી ૩૦૦ ટકાથી વધુ, ૨૭માં ૧૫૦થી ૨૦૦ ટકા, ૩૬ તાલુકામાં ૧૨૦થી ૧૫૦ ટકા, ૩૧ તાલુકામાં ૧૦૦થી ૧૨૦ ટકા, ૪૪ તાલુકામાં ૯૦થી ૧૦૦ ટકા, ૪૨ તાલુકામાં ૬૦થી ૮૦ ટકા અને ૧૪ તાલુકામાં ૩૦થી ૬૦ ટકા વચ્ચેનો વરસાદ નોંધાયો છે. જેમાંથી ૮ જિલ્લા ગીર-સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છના તમામ તાલુકામાં સો ટકાથી વધુ વરસાદ થયો છે.
કચ્છ-સૌરાષ્ટ્રમાં અતિ વરસાદ
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં સતત વરસાદ થતાં અનેક ગામ અને શહેર બેટમાં ફેરવાયા છે. ૨૫મી ઓગસ્ટે કચ્છના અબડાસા તાલુકામાં ૨૨૫ મિમી એટલે કે ૯ ઈંચ અને રાજકોટના ગોંડલ તાલુકામાં ૧૭૯ મિમી એટલે કે ૭ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રવિવારથી સતત વરસાદ વચ્ચે રવિવારે જામનગરના જોડિયામાં ૧૪ અને મોરબી જિલ્લાના આમરણમાં ૧૦ ઇંચ વરસાદ નોંધાયો હતો. રવિવારે અબડાસામાં ૮ ઇંચ તેમજ રાજકોટના ગોંડલમાં ૭.૬ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ૨૪મીએ આમરણમાં ૨૪ કલાકમાં ૨૫, મોરબીના ટંકારામાં ૧૪ (બે કલાકમાં ૬.૭૨) ઇંચ વરસાદ ખાબક્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડામાં ૨૪મીએ ૪.૫૬ અને બારડોલીમાં ૪.૩૨ તથા સુરત શહેરમાં ૩.૯૨ ઇંચ વરસાદ વરસ્યો હતો. નર્મદા જિલ્લામાં દેડિયાપાડામાં ૫ અને સાગબારામાં ૪, ભરૂચ જિલ્લામાં નેત્રંગ અને વાલિયામાં ૪ જ્યારે તાપી જિલ્લાના ડોલવણ અને કુકુરમુંડામાં ૨ ઇંચ વરસાદ વરસ્યો હતો.
ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં ૨૪મીએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં સાંતલપુર તાલુકામાં ૪.૪૮, સમીમાં ૪ તેમજ રાધનપુરમાં ૩.૬ ઇંચ વરસાદ વરસ્યો હતો. હિંમતનગરના વિજયનગરમાં ૬, મેઘરજમાં પ, હિંમતનગર - ભિલોડામાં ૩.૫ ઇંચ વરસાદ થયોો હતો.
રાજ્યમાં કુલ ૭૮ને રેસ્ક્યૂ કરાયાં
રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે ૨૪મી ઓગસ્ટે ૯ મૃત્યુ નોંધાયા હતા. ૭ જણા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા જ્યારે ૧૯૮૯ લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડાયાં હતાં. જે પૈકી ૩૫૨ જણા પાણી ઓસરતાં ૨૫મીએ તેમના ઘરે પરત ફર્યાં હતાં. સત્તાવાર માહિતી પ્રમાણે મહેસાણાના કડીમાં મકાન પડતાં ૧ બાળકનું, સાબરકાંઠાના ગઢડામાં વાંધામાં ડૂબી જતા ૫૫ વર્ષના પુરુષનું, તાપીના ડોલવણના પાટી ગામે કાચું ઘર પડતાં ૬૫ વર્ષના વૃદ્ધાનું, દાહોદના સિંગવડના ફોફણ ગામે ચેકડેમમાં ડૂબી જતાં ૫૦ વર્ષના પુરુષનું, જૂનાગઢના બિલખામાં મકાનનો ભાગ પડતાં પુરુષનું, અરવલ્લીના મોડાસાના મુલોજ ગામે ચેકડેમમાંથી ડૂબી જવાથી યુવાનનું, તાપીના વાલોડમાં વાલ્મીકિ નદીમાંથી ડૂબવાથી એક પુરુષનું, જામનગરના જોડિયાના લખતર ગામે વોંકળામાં તણાઈ જતાં ૮૦ વર્ષીય વૃદ્ધનું તેમજ છોટા ઉદેપુરના જેતપુરપાળીના અણિયાદ્રી ગામે કોતરના પાણીમાં તણાઈ જતાં એક પુરુષનું મૃત્યુ થયું હતું. ગોધરા નજીક પાવાગઢમાં ખૂણિયા મહાદેવ ધોધમાં નહાવા પડેલા ૭૦ જણા ફસાયા હતા, જેમને રેસ્ક્યૂ કરાયા હતા. ટંકારામાં સર્કિટ હાઉસ પાછળ પુરવઠા નિગમમાં કામ કરતાં ૮ મજૂરોને પણ બચાવાયા હતા. રાજ્યમાં કોરોનાના સંકટ વચ્ચે ભારે વરસાદમાં શિક્ષણ બોર્ડની ડિગ્રી ઈજનેરી-ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી માટે ગુજકેટ પરીક્ષા ક્યાંક ક્યાંક કફોડી હાલતમાં લેવાઈ હતી. હળવદ તાલુકાના રાયસંગપુરસ ગામના નારાયણભાઈ બેચરભાઈ દલવાડીના પુત્ર શ્રીપાલ (ઉ. ૧૮)ને ગુજકેટની પરીક્ષા હતી. પિતા - પુત્ર સવારે હળવદ જવા નીકળ્યા. રસ્તામાં આવતા કુઈવાળા વોંકળામાં પુષ્કળ પાણી ભરાયું હતું. નારાયણભાઈએ બાઇક વોંકળામાંથી લીધું અને બાઇક સ્લિપ થતાં શ્રીપાલ તણાવા લાગ્યો. પુત્રને બચાવવા નારાયણભાઈ પાણીમાં ખાબક્યા અને તે પણ તણાવા લાગ્યા. તંત્રને નારાયણભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો અને પુત્ર તણાયો હતો.
ખરીફ પાકને નુકસાનઃ ખેડૂતો બેહાલ
રાજ્યમાં આ વર્ષે ખેડૂતોએ ૮૨.૮૯ લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર કર્યું હતું. જે ગત વર્ષની તુલનામાં ૩.૬૭ લાખ હેક્ટર વધુ વાવેતર છે, પરંતુ સતત વરસાદી વાતાવરણના કારણે પાકને ભારે નુક્સાન પહોંચી રહ્યું છે. નદી, જળાશયો નજીકના અને નીચાણવાળા વિસ્તારમાં આવેલા ખેતરો ધોવાઈ રહ્યાં છે. આ ઉપરાંત વરસાદ નહીં રોકાય તો પાકને વધુ નુક્સાનનો ડર છે. કૃષિ નિષ્ણાતોના મતે ખેતરોમાં જો સતત ૪ દિવસ પાણી ભરાયેલા રહે તો તેવી સ્થિતિમાં પાક બળી જાય છે. રાજ્યમાં આ અતિ વરસાદથી ફક્ત ડાંગર, કેળ અને શેરડીના પાકને જ ફાયદો થયો છે. ખરીફ પાકમાં તલમાં સૌથી વધુ નુક્સાન છે. મગફળીમાં સફેદ ફૂગ આવી છે. કપાસમાં ચુસિયા અને બાજરીમાં ગુંદરિયા નામનો રોગ ફેલાયો છે.
રાજ્યના ૨૦૬ જળાશયોની સ્થિતિ
રાજ્યમાં ભારે વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત ૨૦૬ જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે. સરદાર સરોવર ડેમમાં હાલમાં ૨૩૨૭૧૯ મિલિયન ક્યુબિક સાથે ૬૯.૬૬ ટકા જેટલો ડેમ ભરાયો છે. રાજ્યના ૮૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત ૭૬ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર સહિત ૧૫ જળાશયોમાં ૫૦થી ૭૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે ૧૪ જળાશયોમાં ૨૫થી ૫૦ ટકા વચ્ચે જળસંગ્રહ થયો છે. ૧૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછું પાણી છે.
કુદરતી સૌદર્ય ખીલ્યું
હાલમાં લોકો કોરોનાના કારણે કંટાળી ગયા છે તો બીજી તરફ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. રાજ્યમાં ગીર જંગલ, ડાંગ પહાડી ક્ષેત્ર અને અરવલ્લીની ગિરિમાળામાં લીલી વનરાજી ખીલી છે. પ્રથમ તસવીરમાં તાપી જિલ્લાનો મલંગદેવ ફોરેસ્ટનો ધોધ, બીજી તસવીરમાં સૌરાષ્ટ્રના ધારીનો ખોડિયાર ધોધ, ત્રીજી તસવીરમાં કેવડિયા નજીક શૂળપાણેશ્વરનો નિનાઈ ધોધ અને છેલ્લી તસવીરમાં ડાંગનો ગીરા ધોધ દેખાઈ રહ્યાો છે.


