અમદાવાદ: રાજ્યમાં સ્વાઇન ફ્લુની બીમારી વકરી રહી છે. સ્વાઇન ફ્લુ સામે સરકાર અને આરોગ્ય વિભાગ પણ લાચાર બની રહ્યું છે. માત્ર અમદાવાદમાં સ્વાઇન ફ્લુથી અત્યાર સુધીમાં ૮૬ દર્દીનાં મૃત્યુ થયાં છે અને રાજ્યમાં સ્વાઇન ફ્લુનો કુલ મૃત્યુઆંક ૨૭૮ સુધી પહોંચ્યો છે.
રોજેરોજ સ્વાઇન ફ્લુના કેસોમાં ચિંતાજનક હદે વધારો નોંધાઇ રહ્યો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે, ગુજરાતની સરકારી જ નહીં, ખાનગી હોસ્પિટલ્સમાં પણ સ્વાઇન ફ્લુના દર્દીઓથી વોર્ડ ભરાઇ રહ્યાં છે. સોમવારે સ્વાઇન ફ્લુએ વધુ નવ દર્દીઓનો ભોગ લીધો હતો. સોમવારે રાજ્યમાં આ બીમારીના નવા ૧૩૮ કેસો નોંધાયા હતા. આશરે ૧૬મી ઓગસ્ટથી રોજ સ્વાઇન ફ્લુના ૮૦થી ૧૦૦ કેસ નોંધાઇ રહ્યા છે. અમદાવાદમાં સોમવારે ચાર દર્દીઓએ હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા હતા.


