રાજ્યમાં હજી પણ અમીછાંટણાઃ મોસમનો ૧૧૯.૨૦ ટકા વરસાદ, ૮૫ જળાશયો છલકાયા

Thursday 19th September 2019 02:53 EDT
 
 

ગાંધીનગરઃ ભાદરવા મહિનામાં પણ રાજ્યમાં હજી ક્યાંક વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં નદી સરોવરો છલકાઈ ગયાં છે તો કચ્છમાં પણ સારો વરસાદ રહ્યો છે. મધ્ય ગુજરાતમાં મહી નદી પરના કડાણા ડેમમાં ભારે પાણીની આવક થઈ છે તો દક્ષિણ ગુજરાતમાં નર્મદા સહિતની કેટલીય નદીઓએ ભયજનક સપાટી વટાવી છે. રાજ્યમાં જોકે આ વરસે સરેરાશ ૧૧૯.૨૦ ટકા વરસાદ થવાથી ૮૫ જળાશયો છલકાયા છે. સરદાર સરોવરમાં હાલમાં ૩ લાખ ૧૯ હજાર ૯૯૬.૨૮ એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના ૯૫.૭૮ ટકા છે. રાજ્યના ૬૮ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. ૧૭ જળાશયો ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે ભરાયા છે. ૧૨ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૦૪ જળાશયોમાં હાલમાં પાણીનો સંગ્રહ કુલ સંગ્રહ શક્તિના ૮૩.૭૫ ટકા છે.
ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૪.૩૩ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૬.૬૭ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૭.૩૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૬.૦૩ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૮૨.૭૮ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ વર્ષે સિઝનનો કુલ વરસાદ ૧૧૯.૨૦ ટકા જોવા મળ્યો છે. રાજ્યમાં સરેરાશ ૧૧૯.૨૦ ટકા વરસાદ સાથે સરદાર સરોવરમાં ૮ લાખ ૦૯ હજાર ૬૮૬ ક્યુસેક પાણીની આવક થઇ છે. ૭ લાખ ૦૬ હજાર ૪૮૪ ક્યુસેક પાણીની જાવક છે. કડાણા જળાશયમાં ૧ લાખ ૪૫ હજાર ૪૮૮ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૧ લાખ ૫૦ હજાર ૫૮૯ ક્યુસેક પાણીની જાવક છે.
ઉકાઇ જળાશયમાં ૭૫ હજાર ૨૩૪ ક્યુસેક પાણીની આવક છે. જ્યારે ૭૪ હજાર ૩૪ ક્યુસેક પાણીની જાવક છે. વણાકબોરી જળાશયમાં ૫૫ હજાર ૮૩૬ ક્યુસેક પાણીની આવક છે. જ્યારે ૫૫ હજાર ૮૩૬ ક્યુસેક પાણીની જાવક છે. દમણગંગા જળાશયમાં ૧૩ હજાર ૧૭૩ ક્યુસેક પાણીની આવક છે.જ્યારે ૧૧ હજાર ૧૪૭ ક્યુસેક પાણીની જાવક છે..અને કાલી-ર જળાશયમાં ૧૦ હજાર ૯૧૪ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૧૦ હજાર ૯૧૪ ક્યુસેક પાણીની જાવક છે.
સમગ્ર રાજ્યમાં મેઘ મહેર વચ્ચે ૧૫મીએ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસતા મહીસાગર જિલ્લામાં આવેલો ભાદર ડેમ ૮૬.૫૫ ટકા ઉપરાંત ભરાયો હતો. આ ડેમ ૭૦ ટકા જેટલો ભરાતાં વોનગ લેવલ જાહેર કરાયું હતું. ભાદર ડેમની સપાટી ૧૨૨.૯૫ મીટરે પહોંચી હતી અને ડેમની પૂર્ણ સપાટી ૧૨૩.૭૨ મીટર છે. આ ડેમમાં પાણીની સારી આવક થતાં તેમાંથી જિલ્લાની ૮૦૦૦ હેકટર ખેતીની જમીનમાં સિંચાઇ થશે. તેથી જિલ્લાના ત્રણ તાલુકા ખાનપુર, લુણાવાડા અને વિરપુરના ખેડૂતોમાં ખુશી
ફેલાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter