અમદાવાદઃ રાજ્યમાં મોટા ભાગના ગામ શહેરમાં તાપમાન સામાન્ય રીતે ૪૦થી ઉપર જ નોંધાઈ રહ્યું છે. અમદાાદમાં આ સમયમાં ૧૧ વાગ્યાથી બળબળતી ગરમી શરૂ થાય છે અને બપોર પછી શહેરના રસ્તા સૂમસામ નજરે પડે છે. ત્યારે ૧૪મીએ અમદાવાદનાં હાટકેશ્વર વિસ્તારમાં એક અજાણી વ્યક્તિ ગરમીના કારણે મોતને ભેટી છે. જ્યારે આશરે મે મહિનાની શરૂઆતથી રાજ્યમાં ગરમીના કારણે ૫૧૮ લોકો બેભાન થઇ ગયા હોવાનું નોંધાયું છે. ગરમીથી બચવા શહેરીજનોને હળવા ખોરાક સાથે વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાની સલાહ અપાઈ રહી છે.
૧૧મીથી ૧૫મી દરમિયાન હિટસ્ટ્રોકથી ત્રણ વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહી હોવાનું નોંધાયું છે. આ ગાળામાં પેટમાં અને છાતીમાં દુખાવાના કેસમાં પણ વધારો થયો છે. માત્ર અમદાવાદમાં જ હિટસ્ટ્રોકથી ૨૩૬૮ લોકો શિકાર બન્યા હોવાનું કહેવાય છે. આ સંખ્યામાં વધારો થવાની વકી છે.


