રાજ્યમાં ૧૦ ટકા આર્થિક અનામતની જાહેરાત સામે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી

Thursday 17th January 2019 04:50 EST
 
 

અમદાવાદઃ ઉત્તરાયણ પર્વ ૧૪મી જાન્યુઆરીથી રાજ્યમાં ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિનઅનામત રીતે આર્થિક નબળા વર્ગોને ૧૦ ટકા અનામતનાં લાભ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો હતો. સવર્ણોને ૧૦ ટકા અનામતના બિલ પર રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકારે અમલની તુરંત જ જાહેરાત કરી હતી. આ સાથે જ ગુજરાત આ નિર્ણયનો અમલ કરનારું પહેલું રાજ્ય બન્યાની જાહેરાત થઈ.
રૂપાણીએ જણાવ્યું છે કે, ૧૪મી જાન્યુઆરી ૨૦૧૯ના મકરસંક્રાંતિથી રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરીઓમાં બિનઅનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગને ૧૦ ટકા અનામતનો લાભ મળતો થશે. ૧૪મી જાન્યુઆરી પછી રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓની જાહેરાત કરાઈ હોય, પરંતુ ભરતીની પ્રક્રિયા શરૂ ન થઈ હોય તેવી જગાઓ માટે આ લાભ મળવાપાત્ર થશે. આવી ભરતી અને પ્રવેશ પ્રક્રિયા હાલ સ્થગિત રાખીને તેમાં પણ ૧૦ ટકા અનામતનો લાભ અપાશે.
રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બિનઅનામતને ૧૦ ટકા અનામતના ઐતિહાસિક નિર્ણયને સૌપ્રથમ પ્રતિસાદ આપતાં સામાજિક સમરસતાને પુષ્ટિરૂપ નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. રાજ્ય સરકારનું કહેવું છે કે, દેશના બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોના આર્ટિકલ ૧૫ અને આર્ટિકલ ૧૬માં સુધારો કરીને એસસી-એસટી-એસઈબીસી જાતિઓની સાથે આર્થિક રીતે નબળા વર્ગોમાં આવતી બિનઅનામત જાતિઓનો ઉમેરો કરીને તેમને પણ અનામતનો કેન્દ્ર સરકારે બંધારણીય અધિકાર આપ્યો છે.
બંધારણમાં મૂળભૂત અધિકારોમાં કરાયેલા આ સુધારાને લીધે કેન્દ્રીય સ્તરે ૧૦ ટકા સુધી અનામત દાખલ કરવાની ભારત સરકારને અને રાજ્ય સ્તરે પણ ૧૦ ટકા સુધી અનામત દાખલ કરવાની સત્તા રાજ્ય સરકારને મળે છે. આમ આ બંધારણીય સુધારાથી ગુજરાત સરકારને મળેલી સત્તાને આધારે શિક્ષણ અને નોકરીમાં બિનઅનામત આર્થિક રીતે નબળા વર્ગો માટે ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. જોકે ઓએનજીસીના અધિકારીએ ૧૦ ટકા આર્થિક અનામત સામે સુપ્રીમમાં પીઆઈએલ કરી છે.

સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી

કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક ધોરણે ૧૦ ટકા અનામત બિલ તાજેતરમાં સંસદ અને રાજ્યસભામાં પસાર કરાયું છે. સામાજિક સંગઠનો અને સામાજિક આગેવાનોમાં આ બિલ ચર્ચાનો વિષય છે ત્યારે મહેસાણામાં રહેતા ઓએજીસીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિપીનકુમાર ભારતીયએ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરીને આર્થિક રીતે ૧૦ ટકા અનામતનો કાયદો રદ કરવા માગણી કરી છે.

અભ્યાસ વિના બિલ બનાવ્યાની ફરિયાદ

વિપીનકુમારે જણાવ્યું કે, જેમને ૧૦ ટકા અનામત આપવાની વાત છે તેવા નાગરિકોનો સમૂહ આ દેશમાં નથી. આ વાત કાલ્પનિક છે. આ સાથે બિલ બનાવતા પૂર્વે કોઈ પણ પ્રકારનો સર્વે કે અભ્યાસ નથી કરાયો. ઉપરાંત આર્થિક આધાર પર આવી કોઈ વ્યવસ્થા માટે સંવિધાન કહેતું નથી.
ચૂંટણી સમયે જ સવર્ણોના મત મેળવવા મોદી સરકારે બંધારણમાં સુધારાની વાત કરીને આ બિલ લોકસભા
બાદ રાજ્યસભામાં પસાર થઈ ગયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter