અમદાવાદઃ ૨૦ અને ૨૧મીએ અમદાવાદ, ગાંધીનગર, ડીસા, ઇડર, સુરેન્દ્રનગર સહિતના રાજ્યનાં શહેરોમાં આકાશમાંથી રીતસર અગનવર્ષા થઈ હતી. મેગાસિટી અમદાવાદ ઉપરાંત ગાંધીનગર અને ડીસામાં ૨૦ મેના રોજ ગરમીનો પારો ૪૮ ડિગ્રીને સ્પર્શી ગયો હતો. ૨૦મીએ અમદાવાદ શહેરમાં ગરમીએ છેલ્લાં ૧૦૦ વર્ષના મે મહિનાની ગરમીનો રેકર્ડ તોડી નાંખ્યો હતો અને પારો ૪૮ ડિગ્રીને સ્પર્શી ગયો હતો. એ પછી ૨૧મી મેના રોજ પણ અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સરેરાશ ૪૮ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું. ૧૦૦ વર્ષ પહેલાં ૨૭મી મે, ૧૯૧૬ના રોજ રેકર્ડ બ્રેક ૪૭.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં હિટવેવથી પાંચનાં મોત નીપજ્યા છે. જેમાં ગોંડલમાં બે, કલોલમાં એક, વિરમગામમાં એક અને વડોદરામાં એકના મૃત્યુનો સમાવેશ થાય છે.

