રાજ્યમાં ૧૧૪ તાલુકામાં સાર્વત્રિક વરસાદઃ ઉમરપાડામાં ૨ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ

Monday 21st September 2020 06:30 EDT
 
 

ગાંધીનગરઃ મેઘરાજાની અતિ મહેર સાથે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો ૧૩૨ ટકા વરસાદ નોંધાયો હોવાના અહેવાલ મંગળવારે હતા. આ સિઝનમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૨૭૨ ટકા વરસાદ થયો છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં વધતા વરસાદ સાથે તમામ ૩૨ તાલુકામાં સારો એવો વરસાદ પડી રહ્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરે આપેલા વરસાદના આંકડા અનુસાર ઉત્તર ગુજરાતના ૬ જિલ્લામાં ૧૧૪ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતના ૮ જિલ્લામાં ૯૬ ટકા, સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાં ૧૭૮ ટકા અને દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લામાં ૧૧૩ ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે મંગળવારે કરેલી આગાહી મુજબ રાજ્યમાં હજી પણ વરસાદી મોસમ જારી રહી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
દક્ષિણ ગુજરાતમાં તમામ તાલુકાઓમાં રવિવારથી વરસાદ વરસી રહ્યો હોવાના મંગળવારે અહેવાલ હતા. મંગળવારે નવસારીના વાંસદામાં ૪ ઈંચથી વધુ, તાપીના કુકરમુંડામાં ૪ ઈંચ, સુરતના ઉમરપાડામાં ૪ ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડા અને નર્મદાના નાંદોડમાં ૩ ઈંચ, તાપીના નિઝર અને ડોલવણ, સુરતના માંડવી અને સુરત શહેર તથા ડાંગના વધઈમાં ૨.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો.
ઉમરપાડામાં ૧૭મી સપ્ટેમ્બરે બપોરના સમયે માત્ર ૨ કલાકમાં જ ૧૧ ઈંચથી વધુ વરસાદ વરસતાં જાહેરજીવન થંભી ગયું હતું. વીરા નદી અને મોહન નદી ગાંડીતુર બની વહી રહી છે. આ નદી પર આવેલા ઘણા પુલો અને કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર પણ લગભગ બંધ છે.
સુરતના બારડોલી, મહુવા, માંગરોળ, નવસારીના ખેરગામ અને નવસારી, ભરૂચ, તાપીના ઉચ્છલ, સોનગઢ અને વ્યારા, ડાંગના આહવા, વલસાડના ધરમપુર અને નર્મદાના સાગબારામાં ૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરત શહેરમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. સોમવારે દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં ૪ ઇંચ વરસાદ થયો હતો.
સુરત જિલ્લામાં શનિવાર રાતથી શરૂ થયેલા વરસાદમાં સૌથી દક્ષિણ ગુજરાતમાં ઉમરપાડા તાલુકામાં રાત્રે ૧૨.૦૦થી સવારે ૬.૦૦ વાગ્યા સુધીમાં ૪ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જ્યારે બારડોલીમાં ૨ ઇંચ, કામરેજમાં ૧ ઇંચ, માંડવીમાં ૨ ઈંચ, માંગરોળમાં ૧ ઈંચ અને ઓલપાડમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો હતો.
મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટાઉદેપુરમાં પણ શનિવારે મધરાત બાદ અચાનક ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વડોદરામાં શનિવારે લગભગ અડધો કલાકમાં જ બે ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે પવનના કારણે વડોદરામાં અનેક સ્થળે નાના-મોટાં ઝાડ પડવાની ઘટનાઓ બની હતી. બે સ્થળે ઝાડ નીચે છ વાહનો દબાયા હતા. રવિવારે પણ વડોદરામાં ભારે વરસાદ હતો. સોમવારે વડોદરામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો અને મંગળવારે વડોદરામાં બે ઈંચ વરસાદ થયો હતો. વડોદરાના કરજણમાં મંગળવારે ૨.૫ ઈંચ જેટલો વરસાદ થયો હતો. મંગળવારે વડોદરાના પાદરા, છોટાઉદેપુરના ક્વાંટમાં ૨ ઈંચ વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રમાં વરસાદી બેટિંગ
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં મંગળવારે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. રાજુલા પંથકમાં મંગળવારે સતત બીજા દિવસે ૧ કલાકમાં ૨ ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે બરવાળાના ટીંબલા ગામનો કોઝવે તૂટી જતાં લોકોને મુશ્કેલી પડી રહી છે. સૌરાષ્ટ્રમાં ઉપરવાસમાં આવેલા ડેમો ઓવરફ્લો થતાં નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે જેથી નદી પર કોઝવે બનાવવા માટે ગામ લોકો માગ કરી રહ્યાં છે. મંગળવારે પોરબંદરના કુતિયાણામાં ૨.૫ જૂનાગઢના વિસાવદર, રાજકોટના ધોરાજીમાં છેલ્લા ૨૪ કલાકમા ૨ ઈંચ વરસાદ નોંધાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter