રાજ્યમાં ૧૨મું પાસ કરનારા એનઆરજીને જનરલ ક્વોટામાં મેડિકલ પ્રવેશ મળશે

Wednesday 16th May 2018 06:41 EDT
 

ગાંધીનગરઃ રાજ્યમાં મેડિકલની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટેના નિયમોમાં સરકારે ફેરફાર કર્યો છે. વિદેશમાં જન્મેલા ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનું કાર્ડ ધરાવતા મૂળ ગુજરાતી વિદ્યાર્થીએ ધોરણ-૧૨ ગુજરાતમાંથી પાસ કર્યું હશે તો તેને મેડિકલમાં એનઆરઆઈની સાથે સામાન્ય ક્વોટામાં પણ પ્રવેશ મળી શકશે. તેનાથી એનઆરજીને તો ફાયદો થશે પણ સ્થાનિક વિદ્યાર્થીઓને અસર થશે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કહ્યું કે આવા વિદ્યાર્થીઓ એનઆરઆઇ ક્વોટા માટે અને સામાન્ય ક્વોટા બંને માટે પાત્ર ગણાશે. માતાપિતા વિદેશી નાગરિક હોય અને વિદ્યાર્થી ગુજરાતમાં રહીને અભ્યાસ કરતો હોય તેવા અનેક વિદ્યાર્થીઓને આ નિર્ણયથી લાભ મળશે. પ્રવેશ માટે સક્ષમ અધિકારીનું ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. ગુજરાતમાં હાલ એમબીબીએસની ૪૦૦૦, ડેન્ટલની ૧૧૫૫, આયુર્વેદની ૧૮૨૦, હોમિયોપથીની ૩૨૫૦ અને નેચરોપથીની ૬૦ મળી ૧૦ હજાર જેટલી બેઠકો છે ત્યારે તેમાં પ્રવેશના નિયમોમાં સરકારે બીજો જે મહત્ત્વનો ફેરફાર કર્યો છે તે મુજબ જે વિદ્યાર્થીઓએ અગાઉના વર્ષમાં મેરિટ પ્રમાણે આયુર્વેદ, ડેન્ટલ, હોમિયોપથી જેવા કોઇ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હોય અને ફરીથી નીટની પરીક્ષા પાસ કરીને તેના મેરિટ પર એમબીબીએસ કે અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશે. જોકે, તેમણે ચાલુ અભ્યાસક્રમના બાકી તમામ વર્ષો (પાંચ વર્ષ)ની ફી ભરીને સંસ્થા પાસેથી એનઓસી રજૂ કરવાનું રહેશે. નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે, અત્યાર સુધી માત્ર ગુજરાત બોર્ડ અને સીબીએસઇના વિદ્યાર્થીઓ જ મેડિકલમાં પ્રવેશ માટે લાયક ગણાતા હતા, પરંતુ હવે નીટ પાસ કરી હોય તેવા કોઇપણ માન્ય એક્ઝામિનેશન બોર્ડની ગુજરાતમાં આવેલી શાળામાંથી ધોરણ-૧૨ પાસ કરનાર મૂળ ગુજરાતી વિદ્યાર્થીઓ પણ પ્રવેશ મેળવી શકશે.
આ નિર્ણયના ઘેરા પ્રત્યાઘાત ગુજરાતના વિદ્યાર્થીઓમાં પડયા છે. અત્યાર સુધી માત્ર એનઆરઆઈ કવોટામાં જ પ્રવેશ માટે લાયક વિદ્યાર્થી એનઆરઆઇ કવોટામાં સ્પર્ધા કરતો હતો, તે હવે એનઆરઆઈ કવોટામાં પ્રવેશ ન મળે એટલે જનરલ મેરિટમાં પણ ગુજરાતમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે સ્પર્ધા કરશે. પરિણામે એનઆરજીને ફાયદો પણ મૂળ ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધા વધવાથી નુક્સાન થશે. સામે અન્ય રાજ્યનો વિદ્યાર્થી રાજ્યમાં ૧૨મું પાસ કરે તો પણ તેને પ્રવેશ મળશે નહીં. અત્યાર સુધી અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ ૧૧-૧૨ ગુજરાતમાં કરી ગુજરાતની મેડિકલ અને પેરા મેડિકલની બેઠકો પર પ્રવેશ મેળવી લેતા હતા. આવી પ્રવૃત્તિ અટકાવવા સરકારે મૂળ ગુજરાતીઓને જ મેડિકલમાં પ્રવેશ મળે તે માટે આવો નિર્ણય લીધો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter