ગાંધીનગર: કોવિડ-૧૯ વાઈરસની રસી રાજ્યમાં પહોંચી ચૂકી છે અને પ્રથમ તબક્કાનું વેક્સિનેશન પણ શરૂ થઈ ચૂક્યું છે. શનિવારે વડા પ્રધાન મોદીના રાષ્ટ્રજોગ સંબોધનથી દેશ સહિત રાજ્યમાં પણ વેક્સિનેશનનો તબક્કો શરૂ થઈ ગયો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ૧૬મીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ગુજરાતમાં વેક્સિનેશનનો આરંભ કરાવ્યો હતો. મોડી સાંજ સુધી ચાલેલા રસીકરણમાં સાંજે છ વાગ્યા સુધીમાં ખાનગી અને સરકારી ક્ષેત્રના ૧૧૮૦૦ કોરોના વોરિયર્સે રસી મુકાવી હતી. જેમાંથી કોઈને પણ આડ અસર થઈ નથી. રવિવારે અમદાવાદમાં વેક્સિનેશન બંધ રહ્યું હતું. રસી માટે નાગરિકોને જાણ કરતું તેમજ અન્ય હિસાબો રાખતું સોફ્ટવેર ખામીયુક્ત હોવાથી આ નિર્ણય લેવો પડયો હોવાનું જણાયું હતું. મંગળવારે વડોદરામાં ૯૫૦ કોરોના વોરિયર્સને રસી અપાઇ હતી. ગોત્રી હોસ્પિટલના નોડલ ઓફિસરે રસી લીધા બાદ કહ્યું હતું કે, રસી વિશ્વસનીય છે, અફવાથી દૂર રહો. મંગળવારે વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના રસીકરણ કેન્દ્રો પર ૯૮ ટકાથી વધુ રસીકરણ થયું હતું. સ્ટર્લિંગ ભાયલીના કેન્દ્રમાં સૌથી વધુ ૧૧૫ ટકા રસીકરણ કરાયું હતું.
અફવાઓથી દૂર રહો
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૬મીએ વેક્સિનેશનના આરંભને કોરોનાના અંતની શરૂઆત કહી હતી. તેમણે કોઈ પણ જાતના ભય અને અફવાઓથી દૂર રહી રસીકરણનો લાભ લેવા સૌ નાગરિકોને આહવાન કર્યું હતું. કોરોનાની ભયાવહ પરિસ્થિતિમાં ૩૦૦ દિવસોથી રાઉન્ડ ધ ક્લોક કામ કરી ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર કરનારા સરકારી અને ખાનગી ક્ષેત્રના તબીબો, નર્સિંગ સહિતના હેલ્થ વર્કર્સ, સફાઈકર્મીઓ સહિત ૪.૩૩ લાખ કોરોના વોરિયર્સને વેક્સિનનેશનમાં પ્રાથમિકતા અપાઈ છે. તેના માટે તૈયાર કરાયેલા ૨૮૭માંથી ૧૬૧ સેન્ટર ઉપર રસીકરણનો આરંભ થયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સૌથી પહેલા પ્રાઈવેટ પ્રેક્ટિસનર્સ ડો. નવીન ઠક્કરને વેક્સિન આપવામાં આવી હતી.
રાજ્યમાં ચોમેર ઉત્સાહ
રસીકરણના આરંભે ગુજરાતમાં મોટા શહેરોથી આંતરિયાળ ગ્રામ્ય ક્ષેત્રોમાં હેલ્થવર્કરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શનિવારે સેસન સાઈટમાં ૧૦૦ હેલ્થ વર્કરોને જ આવરી લેવાનું નક્કી થયું હતું. રસીકરણ પહેલા શારરિક સ્થિતિ અંગેની પૂછપરછ અને વેક્સિનનો ડોઝ લીધા બાદ ૩૦ મિનિટ સુધી ઓર્બ્ઝવેશનને કારણે મોડી સાંજ સુધી આ પ્રક્રિયા ચાલી હતી. નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે, ૩૩ જિલ્લા અને ૮ મહાનગરોના ૧૬૧ સેન્ટરો અંદાજે ૮૦થી ૧૦૦ ટકા કવરેજ પ્રાપ્ત થયું છે. એક પણ કોરોના વોરિયરને રસીની કોઈ આડ અસર જોવા મળી નથી. વેક્સિનેશનના આરંભે શનિવારે સામૂહિક આરોગ્ય કેન્દ્રો, નિષ્ણાત ખાનગી તબીબો તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરના તબીબો, પેરામિડિકલ સ્ટાફ સહિત કોરોનાના કપરાકાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા સફાઈ કર્મીઓ, આયા બહેનોને આવરી લઈને રસીથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં, જ્યાં હેલ્થ કર્મીઓ ઓછા છે તેવા નાના સેન્ટર પર પણ તમામને કોરોના વોરિયર્સને રસી અપવામાં આવી છે. પ્રથમ તબક્કાના અભિયાનમાં ફ્રન્ટ લાઈન સહિત ૪.૪૦ લાખ વોરિયર્સને આવરી લેવાનું અગાઉ જાહેર થયું જ છે.
૨.૮૪ ટકા વોરિયર્સ રસીથી સલામત
સરકારી દાવા મુજબ પહેલા તબક્કામાં ગુજરાતમાં નોંધાયેલા ૪.૩૩ લાખ કોરોના વોરિયર્સને વેક્સિન આપવાની થાય છે. શનિવારે તેના આરંભે સરકારે ૧૬૧ કેન્દ્રો પરથી અંદાજે ૧૩૨૭૪ હેલ્થ વકર્સની સામે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૧૨૩૨૦ને રસી અપાઈ હતી. જે કુલ વોરિયર્સના ૨.૮૪ ટકા થાય છે. એ પછીના કાર્યક્રમ સંદર્ભે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ ૧૬મીએ કહ્યું કે, આગામી સપ્તાહથી મંગળ, ગુરુ, શુક્ર અને શનિ એમ ચાર દિવસ કોવિડ-૧૯ સામે વેક્સિનેશન થશે. કારણ કે, સોમ અને બુધ એમ બે દિવસ અન્ય રસીઓ માટેના દિવસો છે.
આણંદ જિલ્લામાં ૭૬ ટકા વેક્સિનેશન
આણંદ જિલ્લામાં વેક્સિનેશનની તૈયારી સારી, પણ સફળતા અધૂરી જેવો માહોલ સર્જાયો હતો. વેક્સિનેશનના પ્રથમ દિવસે ૧૬મીએ ૬૧ ટકા સક્સેસ રેશિયો હતો જે બીજી વખત વધીને ૭૬ ટકાએ અટક્યો હતો. જે પ્રમાણે તૈયારીઓ અને ડ્રાયરનનું સફળ આયોજન આણંદ જિલ્લામાં થયું હતું તે પ્રમાણે પ્રોગ્રામને સફળતા મળી નહોતી. રસી બાબતે આરોગ્યકર્મીઓમાં વિશ્વાસનો અભાવ જેવું કારણ જોકે બહાર આવ્યું નથી. બીજા દિવસના વેક્સિનેશન પોગ્રામમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ હોદ્દેદારો અને સભ્યોએ વેક્સિનેશન લઈ સાથી સભ્યોને વેક્સિનેશન માટે અપીલ કરી હતી. મહત્ત્વનું છે કે, વેક્સિનેશન કરાવેલા કોઈ આરોગ્યકર્મીએ આડઅસરની ફરિયાદ નથી કરી.
આણંદ જિલ્લામાં કોરોના દર્દીઓનો આંકડો ૨૪૩૮ છે જેમાંથી ૨૩૫૦ લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. હાલમાં જિલ્લામાં રસીકરણ ચાલે છે. પ્રથમ દિવસે ૬ કેન્દ્રો પરથી ૩૬૫ આરોગ્યકર્મીઓએ વેક્સિનેશન કરાવ્યું હતું. ૧૯ જાન્યુઆરીએ બીજી વખત આણંદ જનરલ હોસ્પિટલ, પેટલાદ જનરલ હોસ્પિટલ, વાસદ અને આંકલાવ સીએચસી કેન્દ્ર, ખંભાત કાડીયાર્ક સેન્ટર અને કરમસદ પ્રમુખ સ્વામી મેડીકલ કોલેજમાં સવારે ૧૦ વાગ્યાથી વેક્સિન મુકવાની કામગીરી થઈ હતી. એક દિવસ અગાઉ જ વેક્સિન મૂકવા ૬૦૦થી વધુ આરોગ્યકર્મીને એસએમએસથી જાણ કરાઈ હતી. છતાં કુલ ૭૬ ટકા લોકોએ રસી મુકાવી હતી.
આણંદ જિલ્લામાં ૧૯ જાન્યુઆરીએ કુલ ૪૫૮ આરોગ્યકર્મીઓએ વેક્સિન લીધી હતી. આરોગ્ય વિભાગના આંકડા મુજબ ખંભાતમાં ૧૧૭, પેટલાદમાં ૧૦૦, વાસદમાં ૮૪, આણંદમાં ૬૦, આંકલાવમાં ૫૦ અને કરમસદમાં ૪૭ લોકોનું રસીકરણ થયું હતું.


