રાજ્યમાં ૧૬૫ કોરોના પોઝિટિવઃ ૧૦૦ જેટલા લોકલ ટ્રાન્સમિશન કેસ થતાં ભય

Wednesday 08th April 2020 08:38 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૧૬૫ પર પહોંચી ગયો છે અને માત્ર અમદાવાદમાં કુલ આંકડો ૭૭ થયો છે. કોરોનાના સાતમી એપ્રિલે ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં ૧૩ કેસ અમદાવાદના છે અને ૩ કેસ પાટણના છે જયારે બાકીના કેસ ભાવનગર, આણંદ અને સાબરકાંઠા જિલ્લાના છે. ગાંધીનગરમાં ઉમંગ પટેલને સૌ પ્રથમ કોરોના પોઝિટિવ આવ્યો હતો એ પછી માતા અને સગ્ગો ભાઈ કોરોના પોઝિટિવ છે. ઉમંગ પટેલના પરિવારના ૧૧ સભ્યો અત્યાર સુધી કોરોનાની ઝપટમાં આવી ગયા છે.
૧૦૦ જેટલા લોકલ ટ્રાન્સમિશન કેસ
રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૬૫ થઇ, ૨૩ દર્દીઓ સાજા થયા છે અને અત્યાર સુધી કુલ ૧૨ લોકોનાં મોત થયાં છે. ગુજરાતમાં ૩૩ જિલ્લાઓમાંથી ૧૭માં કોરોના સંક્રમણનો પગપેસારો છે. રાજ્યમાં ૩૦૪૦ના રિપોર્ટ કરાયા છે. ૨૮૩૫ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. હાલમાં ૧૩૬ લોકોની હાલત સ્થિર છે. ૪ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આશરે ૧૦૦ જેટલા લોકલ ટ્રાન્સમિશન કેસ છે જ્યારે ૩૩ વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રી અને ૩૨ આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.
છ દિવસમાં જ ૭૨ પોઝિટિવ કેસ
ગુજરાતમાં કોરોનાના સૌ પ્રથમ બે કેસ ૧૯મી માર્ચના રોજ નોંધાયા હતા, તે પછી ૩૧મી માર્ચ સુધીમાં એટલે કે માર્ચના છેલ્લા ૧૩ દિવસમાં કુલ ૭૪ પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે એપ્રિલના પહેલા છ દિવસમાં જ ૭૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. એપ્રિલમાં માત્ર બીજી તારીખે જ એક કેસ નોંધાયો હતો. એ પછી પાંચમીએ સૌથી વધુ ૨૦ કેસ નોંધાયા હતા જ્યારે ૬ઠ્ઠીએ ૧૮ કેસ નોંધાયા છે. રાજ્યમાં પહેલાં શહેરોમાં પરિસ્થિતિ ગંભીર હતી, પણ હવે ગામડાઓમાં પણ કોરોના કેસિસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યના તમામ જિલ્લા કોરોનાની ઝપટમાં આવી જાય એવી શક્યતા નિવારી શકાતી નથી. ગુજરાતમાં અત્યાર સુધી વિદેશના પ્રવાસેથી આવતાં પ્રવાસીઓ કોરોનાના વાહક બની રહ્યાં હતાં.
આંતર રાજ્યના પ્રવાસીઓ પણ કોરોનાના ચેપ ફેલાવવામાં જવાબદાર પરિબળ બન્યાં છે, પણ સમગ્ર દેશમાં લોકડાઉન છતાં, વિમાની, રેલવે અને બસ વ્યવહાર સદંતર બંધ છે ત્યારે હવે સ્થાનિક સંપર્કને કારણે કોરોનાના કેસો વધવા માંડયાં છે જે ગુજરાત માટે ભયના ડંકા સમાન છે. ગુજરાતમાં આશરે ૮૭ને તો સ્થાનિક સંપર્કમાં આવવાથી ચેપ લાગ્યો છે જેના કારણે હવે ઘરમાં રહેવું સુરક્ષિત બન્યું છે.
સૌથી વધુ મૃત્યુદર
દેશમાં કોરોનાના કુલ ૪૭૭૦થી વધુ કેસ છે. દેશભરમાં ૧૩૫નાં મોત થયાં છે. આમ સમગ્ર દેશમાં મૃત્યુ દર ૨.૮૯ ટકા છે. ગુજરાતમાં કોરોનાથી ૧૨ લોકોનાં મોત થયાં છે. આમ ગુજરાતમાં દેશમાં સૌથી વધુ મૃત્યુ દર ૮.૨૧ ટકાનો જોવા મળ્યો છે. આ પછી, મહારાષ્ટ્રમાં ૫.૯૯ ટકા, મધ્ય પ્રદેશમાં ૫.૪૬ ટકા અને તેલંગાણામાં ૩.૦૨ ટકાનો મૃત્યુ દર જોવા મળ્યો છે.
મરકઝમાં ગયેલા ૧૨૬ની ઓળખ
દિલ્હીની નિઝામુદ્દીન મસ્જિદમાં તબલીગી જમાતની મરકઝમાં ગયેલા લોકોમાંથી રાજ્યના ૧૨૬ લોકોની ઓળખ કરી લેવાઈ હોવાનું ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું છે. આ ૧૨૬માંથી ૮ અમદાવાદના લોકો કોરોના સંક્રમિત હોવાનું પણ તંત્ર દ્વારા જણાવાયું છે. ડીજીપીએ જણાવ્યું હતું કે, અમદાવાદ, વડોદરા, સુરત, જૂનાગઢ, કચ્છ, ભાવગરમાં મરકઝમાં ગયેલા લોકો દ્વારા કોરોનાના ચેપની ભીતિ સેવાઈ છે અને તમામ સામે ગુનો નોંધાશે. ઉલ્લેખનીય છે કે મરકઝમાંથી આવેલા અમદાવાદના દરિયાપુરના ૨૬ તબલીગીઓને ૩જી માર્ચે સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે આઇસોલેશન વોર્ડમાં તપાસ માટે લઇ જવાયા હતા. જોકે સર્વેએ તપાસની ના પાડીને મેડિકલ ટીમને પરેશાન કરી હતી અને હોસ્પિટલમાં હોબાળો શરૂ કર્યો હતો. અંતે હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટે મુસ્લિમ ડોક્ટરને કાઉન્સિલિંગ માટે બોલાવ્યા પછી લગભગ પાંચ કલાક કાઉન્સેલિંગ પછી તબલીગીઓ મેડિકલ તપાસ માટે તૈયાર થયા હતા.
ગોવામાં ૨૦૦ ફસાયા
૨૨ માર્ચે જનતા કર્ફ્યૂ અને પછી ૧૪મી એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરતાં ૨૦૦ જેટલા ગોવા ફરવા ગયેલા ગુજરાતીઓ ત્યાં ફસાયા છે. હાલમાં નોર્થ ગોવામાં કલંગુટ બિચ પાસે હોટેલમાં રોકાયેલા જય પટેલે જણાવ્યું કે, જનતા કર્ફ્યૂ પહેલાં તેઓ ગોવા આવ્યા હતા. જનતા કર્ફ્યૂ પછી મહારાષ્ટ્રની બોર્ડર સીલ થઈ અને લોકડાઉન પણ હોવાથી ગોવાથી નીકળી શકાતું નથી. હોટેલવાળા અહીં ભાડું પણ વસૂલશે. બીજી બાજુ અહીંથી નીકળવા ગુજરાતના ધારાસભ્યો, સાંસદોને પણ મદદ માટે રજૂઆત કરાઈ છે.
પ્રધાનો-ધારાસભ્યોના પગારમાં કાપ
રાજ્ય સરકારે પ્રધાનો - ધારાસભ્યને અપાતા પગારમાં ૩૦ ટકાનો કાપ મૂકવાનો અને તેમને તેમના મતદાર ક્ષેત્રમાં કામ કરાવવા માટે આપવામાં આવતી વાર્ષિક રૂ. ૧.૫ કરોડની ગ્રાન્ટ એક વર્ષ માટે ન આપીને તમામ નાણાં કોરોના સામે લડવા ઉપયોગ કરવાની જાહેરાત કરી છે.
શંખનાદથી વાતાવરણ ગૂંજી ઉઠયું 
કોરોનાના અંધકારની સામે લડવા વડા પ્રધાન મોદીએ રવિવારે રાત્રે ૯ કલાકે ૯ મિનિટ સુધી ઘરની લાઇટ બંધ કરીને પોતાના ઘરનાં દરવાજા અથવા બાલ્કનીમાં પર દીપ પ્રગટાવવા અથવા ટોર્ચનો પ્રકાશ કરવા આહવાન કર્યું હતું તેને ગુજરાતના નાના ગામથી માંડીને શહેરોમાં બહોળો પ્રતિસાદ સાંપડયો હતો. ‘ભારત માતા કી જય’, ‘ગો કોરોના’ ‘ભાગ કોરોના’ અને શંખનાદથી વાતાવરણ ગૂંજી ઉઠયું હતું. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પરિવાર સાથે ઘર આંગણે દીવડા પ્રગટાવ્યા હતા અને વડા પ્રધાનનાં માતા હીરાબાએ પણ ગાંધીનગરમાં ઘરમાં દીપ પ્રજ્વલિત કર્યો હતો.

• ડાંગના આહવાની મસ્જિદમાં સીપીઆઇ આઇ બી અજમેરી અને પીએસઆઇ એસ એસ ડેરૈયા તેમજ અન્ય પાંચ લોકોએ ૩જી એપ્રિલે મૌલવી સાથે નમાજ પઢતાં જાહેરનામાનો ભંગ કર્યો હોવાના જાણ થતાં જિલ્લા પોલીસવડા શ્વેતા શ્રીમાળી ઘટનાસ્થળે પહોચ્યાં હતાં. ત્યાં પોલીસ અધિકારી હાજર જણાતા ફરજમાં બેદરકારી બદલ તેઓને સસ્પેન્ડ કરી ધરપકડનો હુકમ કરાયો હતો.
• સુરતના રાંદેરમાં લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી લોન્ડ્રીના કારણે મોટી સંખ્યામાં લોકો તેમના સંપર્કમાં આવ્યા હોવાની શંકાને લઈને આરોગ્ય વિભાગે રાંદેરનો એક કિ.મી.નો વિસ્તાર બેરિકેટથી પ્રતિબંધિત કરવા સાથે પોલીસ તૈનાત કરાઈ છે. રાંદેરમાં કુલ ૧૬૭૮૫ ઘરનો સર્વે કરાયો છે અને ૫૪૦૦૩ લોકોને માસ ક્વોરેન્ટાઈન કરાયા છે.
• સુરત જિલ્લાના સચિનમાં મધ્ય પ્રદેશથી આવેલી મહિલાને કોરોનાનો ચેપ લાગતાં જ સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સચિનમાં ૪૦,૦૦૦ની વસ્તીને ક્વોરેન્ટાઈન કરાઈ છે અને સમગ્ર વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ મૂકીને આરોગ્યની ટીમો ઉતારી દેવાઇ છે.
• લોકડાઉનના પગલે રેલવે, ટેકસટાઇલ કે છૂટક મજૂરી કરતા કામદારો, શ્રમજીવીઓને રોજીરોટી માટે શાકભાજી વિક્રેતા બની રહ્યાં છે. દરમિયાન સુરત માર્કેટ યાર્ડમાં આ માટે પાસ અપાય છે તેવી વાતો ફેલાતાં યાર્ડમાં ભીડ જામતાં માર્કેટ જ બંધ કરી દેવાની ફરજ પડી હતી.
• અમદાવાદના કાલુપુરમાં માતાવાળી પોળમાં ૪ કેસ પોઝિટિવ આવતાં પોલીસે પોળ સીલ કરી કોઇ વ્યક્તિ બહાર નીકળી શકશે નહીં.
• લોકડાઉનને પગલે ઉત્તર પ્રદેશના ૯૫ અને મધ્ય પ્રદેશના ૧૩ લોકોને દાહોદ જિલ્લાના પાંચવાડા ગામના શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે. શેલ્ટર હોમમાં રહેતા આ લોકોએ પોતાના વતન જવાની જીદ પકડી હતી. અને પોલીસ અને મામલતદારની ટીમ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જોકે બાદમાં સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
• દાંતીવાડાની ગુંદરી બોર્ડર પાસેથી પાંથાવાડા પોલીસે એક બંધ બોડીના કન્ટેનરમાં સંતાઇને રાજસ્થાન અને પંજાબ એમ વતન જઇ રહેલા ૩૭ મુસાફરને ત્રીજીએ ઝડપી પંજાબના બે કેન્ટેનર-ડ્રાઇવરની વિરુદ્વ કાયદેસર કાર્યવાહી કરી છે. કેન્ટેનરમાંથી ઝડપાયેલા તમામ મુસાફરોને તંત્ર દ્વારા દાંતીવાડાની મોડેલ સ્કૂલમાં ૧૪ દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
• ઉત્તર પ્રદેશના અને જામનગરમાં રહેતા મુસ્લિમ પરિવારના ૧૪ મહિનાના બાળકને કોરોના પોઝિટિવ આવતાં તંત્રમાં પણ ગભરાટ ફેલાયો છે. બાળક ઉપરાંત તેના માતા-પિતા અને કાકા ૩ વર્ષથી જામનગરમાં રૂમ ભાડે રાખીને રહે છે. ૩૦મી માર્ચે બાળકને તાવ-શરદી-ઉધરસની તકલીફ થતાં તેને હોસ્પિટલમાં સારવાર પછી રજા અપાઈ હતી, પરંતુ રવિવારે તેની તબિયત બગડતા રિપોર્ટ કરાવાતાં ન્યૂમોનિયાની અસર બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
• મોરબીના વેપારી અને પાલનપુરની સત્યમ સોસાયટીમાં રહેતા વિનોદભાઇ ચોરાસિયા ૧૮મી માર્ચે પરિવાર સાથે મોરબીથી પાલનપુર આવ્યા હતા. તંત્રએ પરિવારના પાંચેય સભ્યોને હોમ ક્વોરેન્ટાઈન કર્યાં હતાં. જોકે ક્વોરેન્ટાઈનના અંતિમ દિવસે વિનોદભાઇએ બપોરના સમયે ઘરમાં જ ગળાફાંસો ખાઇને આપઘાત કરતાં પોલીસે આ મામલે તપાસ આદરી છે.

ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુ
• અમદાવાદ - ૭૭ - ૫
• સુરત - ૧૯ - ૨
• રાજકોટ ૧૦  - ૦
• વડોદરા - ૧૨ - ૨
• ગાંધીનગર - ૧૩ - ૦
• ભાવનગર - ૧૪ - ૨
• કચ્છ - ૨ - ૦
• મહેસાણા - ૨ - ૦
• ગીર-સોમનાથ - ૨ - ૦
• પોરબંદર - ૩ - ૦
• પંચમહાલ - ૧ - ૧
• પાટણ - ૫ - ૦
• છોટા ઉદેપુર - ૧ - ૦
• જામનગર - ૧ - ૦
• મોરબી - ૧ - ૦
• આણંદ - ૧ - ૦
• સાબરકાંઠા - ૧ - ૦
કુલ કેસઃ ૧૬૫ મૃત્યુઃ  ૧૨




to the free, weekly Gujarat Samachar email newsletter