અમદાવાદઃ રાજ્યમાં હાલમાં મોટા ભાગના શહેરોમાં ૩૮થી ૪૦ સેલ્સિયસ ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો નોધાઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાત સહિત દેશના સમગ્ર પશ્ચિમ ભાગમાં ૨૦મી જૂનની આસપાસ ચોમાસું બેસી જશે. બીજી તરફ પ્રિ-મોન્સુનના ભાગરૂપે રાજ્યમાં ભેજવાળા પવનો શરૂ થયા છે. મંગળવારે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર સહિત કોટ વિસ્તારોમાં હળવા ઝાપટા પડયાં હતાં અને ૪૧.૬ ડિગ્રી સાથે ભાવનગર રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર નોધાયું હતું.
અમદાવાદનું તાપમાન ૪૧.૫ ડિગ્રી નોધાયું હતું. જોકે ભેજનું પ્રમાણ વધતાં રાજ્યમાં લોકોએ બફારો સહન કરવો પડયો હતો. ૧૪મીએ હવામાન વિભાગે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં વરસાદની શરૂઆત થઇ છે. જેથી ટૂંક સમયમાં ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતાઓ છે.


