છેલ્લા બે મહિનાથી ટ્રેન, સ્કૂલ, કોલેજો, બેંક્સ, મંદિરો સહિત વિવિધ સ્થળોએ ૨૦૦ જેટલા બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યા પત્રો લખી વિકૃત આનંદ લેનાર શ્રેયસ ચન્દ્રકાંત ગાંધી આખરે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં શ્રેયસે માત્ર પોલીસને દોડાવીને હેરાન કરી માનસિક આનંદ મેળવવા માટે આ પત્રો લખ્યા હોવાનું જણાવ્યું હતું. શ્રેયસની પત્ની જિજ્ઞાએ જણાવ્યું હતું કે, રોજ રાત્રે આઇસક્રીમ કે કેન્ડી લેવા જાઉં છું તેમ જણાવીને શ્રેયસ ઘરની બહાર જતો હતો અને બેથી ત્રણ કલાક બાદ પરત ફરતો હતો. રોજ આ પ્રકારની હરકતથી તેની પત્નીને પણ નવાઈ લાગતી હતી. રોજ સવારે ધમકીભર્યા પત્રોના સમાચાર પણ પત્નીને બતાવતો હતો.


