ગાંધીનગર: ગુજરાતમાં રાત્રિના સમયે દુકાનો, હોટેલો સહિત તમામ પ્રકારના વેપારી એકમો ખુલ્લા રહી શકે અને ૨૪ કલાક મુક્તપણે વેપાર કરી શકે તે દિશામાં રાજ્ય સરકાર ૭૦ વર્ષ જૂના ગુમાસ્તા ધારાને રદ કરશે. તાજેતરમાં મળેલી બેઠકમાં વર્ષ ૧૯૪૮ના કાયદાને સ્થાને શોપિંગ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ-૨૦૧૯ અમલમાં લાવવા કેબિનેટે નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, હાલમાં જૂના કાયદા હેઠળ રાજ્યમાં ૭ લાખ વેપારી, દુકાનદારો નોંધાયેલા છે. નવા કાયદાના અમલથી અધિકાંશ વેપારીઓને ૨૪ કલાક દુકાનો ખુલ્લી રાખીને વેપાર કરવાની સ્વતંત્રતા મળશે. ગુજરાતમાં રિટેલ માર્કેટ, અર્થતંત્ર માટે આ નિર્ણય ક્રાંતિકારી બની રહેશે. રોજગારી વધશે. ગ્રાહકોને અનુકૂળ સમયે ખરીદીની તક ઉપલબ્ધ થશે.
નીતિન પટેલે જણાવ્યું કે, હાલમાં જે કાયદો અમલમાં છે તે દુકાનો અને સંસ્થા અધિનિયમ-૧૯૪૮ની કેટલીક જોગવાઈઓ વેપારીઓ, દુકાનદારો અને ગ્રાહકો માટે અડચણરૂપ છે. તેના સ્થાને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે ભારત સરકારે તૈયાર કરેલા મોડલ એક્ટના મુસદ્દાને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કેબિનટે મંજૂરી આપી છે. આ સુધારાથી ચોક્કસ શરતોને આધીન મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારો, એરપોર્ટ, નેશનલ હાઇવે, રેલવે પ્લેટફોર્મ, એસ.ટી. બસ મથક, હોસ્પિટલ, પેટ્રોલપંપ પર આવેલી દુકાનો ૨૪ કલાક ખુલ્લી રાખવાની છૂટ મળશે. જ્યારે નગરપાલિકા અને સ્ટેટ હાઇવે પર આવેલી દુકાનોને સવારના ૬-૦૦ વાગ્યાથી રાત્રિના ૨-૦૦ વાગ્યા સુધી ખુલ્લી રાખવા છૂટ
આપી શકાશે.


