રાજ્યમાં ૪૫ ડેમોમાં ૯૦ ટકાથી વધુ પાણીઃ સૌરાષ્ટ્રમાં ૧૯ ડેમ ૧૦૦ ટકા છલકાયા

Tuesday 14th July 2020 05:21 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્યમાં વરસાદી મોસમ બરાબરની જામી છે. ૧૪મી જુલાઈએ સવારે ૬ વાગ્યાથી બપોર બાદ ૪ વાગ્યા સુધીમાં રાજ્યમાં ૬૧ તાલુકાઓમાં હળવોથી ભારે સુધીનો વરસાદ નોંધાયો છે. ૧૪મીએ સૌથી વધુ ૪ ઈંચ વરસાદ નવસારીના જલાલપોરમાં પડ્યો હતો. આ સિવાય નવસારી અને સુરતના ચોર્યાસીમાં ૬૯ મિમી, વલસાડ ૫૫ મિમી, પારડીમાં ૫૪ મિમી, સુરત શહેરમાં ૪૩ મિમી વરસાદ ખાબક્યો છે. ગણદેવીમાં ૩૯ મિમી, બોટાદના ગઢડામાં ૨૭ મિમી અને સુરેન્દ્રનગરના લખતરમાં ૨૫ મિમી વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં છઠ્ઠીથી શરૂ થયેલા ભારે વરસાદમાં ઓટ આવી છે અને સૌરાષ્ટ્રમાં સોમ - મંગળ બે દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, દાહોદ અને અમદાવાદમાં પણ સોમવારે હળવો અને મંગળવારે મધ્યમ વરસાદ નોંધાયો હતો.
સોમવારે રાજ્યમાં ૯૧ તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો. સોમવારે સૌરાષ્ટ્રમાં વંથલીમાં ૪ અને ગીર ગઢડામાં ૪ ઈંચ વરસાદ નોંધાયો હતો. સોમવારે રાજ્યમાં તે સૌથી વધુ હતો. આ ઉપરાંત સુરતમાં ૮૩ મિમી, વલસાડમાં ૬૦ મિમી, જૂનાગઢમાં ૫૯ મિમી, કામરેજમાં ૫૫ મિમી, વાંકાનેરમાં ૪૯ મિમી, જેસર ૪૭ મિમી, નવસારી ૪૬ મિમી, ઉના ૪૪ મિમી, સતલાસણા ૩૬ મિમી, જાફરાબાદ અને આહવામાં ૩૫ મિમી, બરવાળા ૩૨ મિમી, મેંદરડા અને ખાંભામાં ૩૦ મિમી, દસાડા, અમરેલી અને લિલિયામાં ૨૯ મિમી, ધંધુકા અને પાલસણા ૨૭ મિમી, વાલોડ અને જલાલપોર ૨૬ મિમી વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં અને વલભીપુરમાં બે ઈંચ, ઉમરાળા અને તળાજા પંથકમાં એક ઇંચ જેટલો વરસાદ સોમવારે ખાબક્યો હતો.
સારા વરસાદથી અત્યાર સુધીમાં ગુજરાતના ૨૦૬ ડેમમાં રવિવાર સુધીમાં ૪૮.૯૪ ટકા પાણીનો જથ્થો થયો છે. સૌરાષ્ટ્રના ૧૪૦માંથી ૧૯ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયાં છે. સરદાર સરોવર ડેમને બાદ કરતાં રાજ્યના ૨૦૫ ડેમો પૈકી અત્યારે ૪૫ ડેમો ૯૦ ટકા કરતાં વધુ ભરાયા હોવાથી હાઈએલર્ટનું સિગ્નલ અપાયું છે. બાકી ૧૦ ડેમોમાં ૮૦થી ૯૦ ટકા પાણીનો જથ્થો છે, જ્યાં એલર્ટ અપાયું છે. ૮ ડેમોમાં ૭૦થી ૮૦ ટકા પાણીનો જથ્થો છે જ્યાં વોર્નિંગ અપાઈ છે. ૧૪૨ ડેમોમાં ૭૦ ટકાથી નીચે પાણી છે. મહત્ત્વનું છે કે, ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૨૬.૭૫ ટકા જળસંગ્રહ છે. મધ્ય ગુજરાતમાં ૧૭ ડેમમાં ૪૪.૭૧ ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૪૭.૬૫ ટકા જળસ્તર છે જ્યારે કચ્છના ૨૦ ડેમમાં ૩૯.૧૯ ટકા પાણી ભરાયેલું છે. સૌરાષ્ટ્રમાં ૧૪૦ ડેમમાં ૫૩.૦૭ ટકા તો સરદાર સરોવર ડેમમાં ૫૪.૯૦ ટકા પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રમાં વરસાદ સારો થયો હોવાથી ડેમોની સપાટી વધી છે. મહત્ત્વનું છે કે, આ વખતે ઉનાળામાં પાણીના પોકાર ઓછા થયા હતા. ગત વર્ષની તુલનાએ આ વખતે પાણીનું સ્તર વધુ છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં શનિવારે રાતથી વરસાદ શરૂ થયો હતો. જે રવિવારે સવારે પણ યથાવત રહ્યો હતો. બપોર સુધી ધીમી ધારે મેઘરાજાએ બેટિંગ ચાલુ રાખી હતી. દરમિયાન શનિવારે સાંજે ૬ વાગ્યાથી રવિવારે સાંજ ૬ વાગ્યા સુધીમાં વલસાડના ઉમરગામમાં સવા પાંચ ઇંચ જ્યારે કપરડા અને વાપીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા અને કામરેજમાં ત્રણ ઇંચ, માંગરોળમાં અઢી ઇંચ અને પલસાણામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીના જલાલપોરમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. વડોદરામાં પોણો ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.
વલસાડ જિલ્લામાં શનિવારે રાત્રે ૧૦થી રવિવારે સાંજે ૬ સુધીના ગાળા દરમિયાન ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ થયો હતો. આ તાલુકામાં ૫.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ, વાપી, પારડી, કપરાડા અને ધરમપુર તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો. વડોદરામાં પણ રવિવારે વરસાદ થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter