રાજ્યમાં ૮ લાખથી વધુ લોકોનું કોરોના રસીકરણ પૂર્ણ

Tuesday 16th February 2021 15:29 EST
 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાઈરસના મંગળવારના છેલ્લા ૨૪ કલાકમાં ૨૬૩ નવા પોઝિટિવ કેસ નોંધાયા અને ૨૭૧ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાં હતાં. આ સાથે રાજ્યમાં ૨૫૯૬૫૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર મંગળવારે ૯૭.૭૦ ટકા નોંધાયો હતો. રાજ્યમાં મંગળવારે કોરોનાથી અમદાવાદમાં એક દર્દીનાં મોત સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃતકાંક ૪૪૦૨ થયો હતો. રાજ્યમાં રસીકરણની વાત કરીએ તો મંગળવારે ૩૫૫ કેન્દ્રો પર ૫૨૯૩ લોકોને કોરોનાની રસી અપાઈ હતી આ સાથે કુલ ૮૦૧૯૧૨ લોકોનું રાજ્યમાં રસીકરણ પૂર્ણ થયું હોવાના અહેવાલ હતા.
ચાર મહાનગરોમાં રાત્રે ૧૨.૦૦ વાગ્યાથી કરફ્યૂ
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.સી.એસ. પંકજ કુમારે ૧૬મી ફેબ્રુઆરીથી અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચારેય મહાનગરોમાં રાતે ૧૧.૦૦ને બદલે ૧૨.૦૦ કલાકથી સવારે ૬.૦૦ કલાક સુધી કરફ્યૂ અમલમાં રહશે એમ જાહેર કર્યું હતું. ૧૫ દિવસ અગાઉ ઉપરોક્ત મહાનગરોમાં રાતે ૧૦.૦૦ને બદલે ૧૧.૦૦ વાગ્યાથી કરફ્યૂના અમલનો નિર્ણય થયો ત્યારે કોરોના વાઈરસના ફેલાવા પર લગભગ નિયંત્રણ હતું. હાલમાં આ ચારેય મહાનગરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ચાલે છે. પ્રચાર અભિયાન પૂરજોશમાં છે અને ૨૧ ફેબ્રુઆરીએ મતદાન છે ત્યારે રાત્રિ કરફ્યૂનો અમલ રાત્રે ૧૨.૦૦ કલાકથી શરૂ થતાં મહાનગરોમાં સિનેમા, હોટેલ- રેસ્ટોરાંને રાહત મળશે. અમદાવાદ, સુરત, વડોદરાના રાત્રિ બજારો અને નાઈટલાઈફ ધમધમશે. જોકે, ૨૧ ફેબ્રુઆરીએ ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ ૨૮ ફેબ્રુઆરી સુધી રાતનો કરફ્યૂ અમલમાં રહેશે.
ધો.૬થી ૮ના વિદ્યાર્થીઓનું ફિઝિકલ શિક્ષણ ૧૮મીથી
રાજ્ય સરકાર દ્વારા ૧૩મીએ જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું હતું કે, રાજ્યમાં પ્રથમ તબક્કે ૧૮મી ફેબ્રુઆરીથી ધો. ૬થી ૮ના અંદાજે ૩૦ લાખ જેટલા વિદ્યાર્થીઓનાં ફિઝિકલ શિક્ષણકાર્યનો પ્રારંભ થશે. સરકારે ઉચ્ચતર પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો છે ત્યારે હવે માર્ચ મહિનામાં ધો. ૧થી ૫ના અથવા તો ધો. ૩થી પાંચના બાળકોનાં વર્ગો પણ શરૂ થઈ શકે છે.
ગુજરાત રાજ્યના જે વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોનમાં છે ત્યાં જોકે શાળાઓ શરૂ નહીં થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter