અમદાવાદ: ગુજરાતમાં સોમવારે ૯૧ દિવસ પછી કોરોનાના એક હજારથી ઓછા ૯૯૬ કેસ નોધાતાં લોકોને રાહતના સંકેતો મળ્યા છે. આ પહેલાં ૨૦મી જુલાઈના રોજ ૨૪ કલાકમાં ૯૯૮ કેસ નોંધાયા હતા. બીજા જ દિવસે ૨૧મી જુલાઈએ એક જ દિવસમાં જોકે ૧૦૨૬ કેસ નોંધાયા હતા. ત્યાર બાદ દૈનિક કેસની સંખ્યા સતત વધતી રહી હતી. કોવિડ-૧૯ના કારણે સોમવારે રાજ્યમાં વધુ ૮ દર્દીનાં મોત થયાં હતાં જ્યારે ૭૧ દર્દીની સ્થિતિ નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રખાયા હતા. સોમવારે કોરોના દર્દીઓનો રિકવરી રેટ ૮૮.૮૫ ટકાએ પહોંચ્યો હતો.
કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં મંગળવારે ૧૧૨૬ પોઝિટિવ કેસ નોંધાયા હતા. મંગળવારના આંકડા પ્રમાણે ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસની સંખ્યા વધીને ૧૬૧૮૪૮ પહોંચી હતી જ્યારે રાજ્યમાં વધુ ૮ દર્દીઓનાં મૃત્યુ થતાં મંગળવારે ગુજરાતમાં કુલ મૃતકાંક વધીને ૩૬૫૪ સુધી પહોંચ્યો હતો. મંગળવારના છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૨૮ લોકોએ કોરોનાને હરાવ્યો હતો. આ સાથે રાજ્યમાં કોરોનામાંથી રિકવર થનારા કુલ દર્દીઓની સંખ્યા
મંગળવાર સુધીમાં ૧૪૩૯૨૭ સુધી પહોંચી હતી. ગુજરાત માટે સારા ખબર એ કે મંગળવારે પણ દર્દીઓનો સાજા થવાનો દર ૮૮.૯૩ ટકા નોંધાયો હતો. મંગળવાર સુધીમાં રાજ્યભરમાં ૫૪૭૯૫૩૬ ટેસ્ટ કરાયા છે.
કોરોનાના લક્ષણો હોય રેપિડ એન્ટિજન ટેસ્ટ પર ભરોસો ન મૂકો
અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે જોકે કોરોના માટેના રેપિડ એન્ટિજન ટેસ્ટની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થઈ રહ્યાં છે. આ પહેલાં રેપિડ ટેસ્ટમાં અનેક છબરડાં પણ સામે આવ્યાં છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. જે. પી. મોદીએ સોમવારે કહ્યું કે, ૫૦ ટકા રેપિડ એન્ટિજન ટેસ્ટ રિપોર્ટ ખોટાં હોવાની શક્યતા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જો કોઈનો રેપિડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય, પરંતુ તેને કોરોનાના લક્ષણો હોય તો આરટીપીસીઆર ટેસ્ટ અવશ્ય કરાવવો જોઈએ.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે, રેપિડ એન્ટિજન ટેસ્ટ કોમ્યુનિટી લેવલે સ્ક્રીનિંગ માટેનો ટેસ્ટ છે. તે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તે કોરોના પોઝિટિવ જ કહેવાય. જો દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે અને કોરોનાના કોઈ જ લક્ષણો ન હોય તો તે નેગેટિવ જ કહેવાય. તેમાં ચિંતા જેવું નથી. તે વ્યક્તિ સામાન્ય વ્યક્તિની જેમ જ રહી શકે છે. જોકે જે તે વ્યક્તિ નેગેટિવ હોય અને તેને કોરોનાના લક્ષણો હોય તો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો જોઈએ. કોઈ પણ ટેસ્ટ હોય, દરેક ટેસ્ટની સેન્સિટિવિટી હોય છે. રેપિડ ટેસ્ટ કોમ્યુનિટી લેવલે યૂઝ થાય છે તેનું કન્ફર્મેશન કરવું જરૂરી હોય છે.
કોરોનાની નબળી લડાઈ માટે સરકારની કંગાળ નીતિ
ગૂજરાત વિદ્યાપીઠને ૧૦૦ વર્ષ પૂરા થતાં ૧૮મી ઓક્ટોબરે સ્થાપના દિનના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વીડિયો કોન્ફરન્સમાં મહાત્મા ગાંધીજીના પૌત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ જણાવ્યું કે, કોરોના સામેની નબળી લડાઈ પાછળ સરકારની કંગાળ નીતિ જવાબદાર છે.
ગાંધીજીના પૌત્ર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીએ હાલની કોરોનાની મહામારીને લઈને જણાવ્યું કે, જો ભારત સરકારની હાલની પોલીસી કરતા યોગ્ય ઈકોનોમિક પોલીસી હોત તો ભારત કોરોના સામેની લડાઈ વધુ સારી રીતે લડી શક્યું હોત. કોરોના સામેની નબળી લડાઈ પાછળ ભારત સરકારની કંગાળ નીતિ જવાબદાર છે. સરકારની હાલની ઈકોનોમિક પોલીસને લીધે અર્બનાઈઝેશન અને ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન વધ્યું છે. ખેડૂતો, લોકો ગામોમાંથી શહેરો તરફ વળ્યાં છે. ગામો ભાંગી રહ્યા છે અને શહેરો વધી રહ્યાં છે. આ આજની મુખ્ય સમસ્યા છે. ખેડૂતો, તબીબો, સેનેટરી વર્કર્સ, હેલ્થ વર્કર્સ આપણા માટે સાચા ફાઈટર છે, પણ ભારત સરકારે નવી ઈકોનોમિક પોલીસી તૈયાર કરવાની જરૂર છે.
ઉકાળાના અતિરેકથી આંતરડા અને હોજરીમાં ચાંદા
કોરોનામાં ઇમ્યુનિટી વધારવા માટે લોકો વિવિધ પ્રકારના ઉકાળાનું સેવન કરે છે, પરંતુ કેટલાક લોકોએ વધુ પડતા પ્રમાણમાં ઉકાળા લેવાનું શરૂ કરતાં આંતરડાં અને હોજરીમાં ચાંદા પડવાના કેસમાં ૨૫થી ૩૦ ટકાનો વધારો થયો હોવાનું ડોક્ટરોનું કહેવું છે. કોઇ પણ પ્રકારના ઉકાળાનું સેવન વ્યક્તિની પ્રકૃતિને ધ્યાનમાં રાખી ચોક્કસ માત્રામાં આયુર્વેદિક તજજ્ઞની સલાહ પ્રમાણે જ કરવું જોઈએ, એમ આયુર્વેદના નિષ્ણાત વૈદ્યોનું કહેવું છે.
ગિરનારના ગુરુ દત્તાત્રેય શિખર અને કમંડલ કુંડના મહંતનું કોરોનાથી નિધન
રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારના ગુરુ દત્તાત્રેય શિખર અને કમંડલ કુંડના મહંત મુક્તાનંદગિરિનું રાજકોટમાં કોરોનાને કારણે નિધન થયું હતું. ગુરુ દત્તાત્રેય શિખરની જગ્યા અને કમંડલ કુંડ જે ગાદી હેઠળ આવે છે એ ભેંસાણ તાલુકાના રાણેશ્વર મહાદેવ મઠના મહંત સ્વામી મુક્તાનંદગિરિ ગુરુ મહેશગિરીજીને ૧૫ દિવસથી કોરોનાની સારવાર અર્થે રાજકોટમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બ્રહ્મલીન ગુરુજીને ભેંસાણના રાણપુર ખાતે સમાધિ અપાઈ હતી.
ગુરુજીની નિકટના નીરવભાઇ પુરોહિતે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને લઇ તમામ પ્રકારની લૌકિક ક્રિયા બંધ રાખવામાં આવી હતી. સ્વામીજીને ભેંસાણ તાલુકાના રાણપુર મંદિર પરિસરમાંજ સમાધિ આપવાનું નક્કી કરાયું હતું. ઘણા વર્ષોથી તેઓના માર્ગદર્શન હેઠળ ગુરુ દત્તાત્રેય શિખરના દર્શને આવતા યાત્રાળુઓની સેવા માટે કમંડલ કુંડ ખાતે અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. તો ભવનાથમાં પણ અગ્નિ અખાડાની બાજુમાં તેમના માર્ગદર્શન હેઠળ કાયમી અન્નક્ષેત્ર શરૂ કરાયું છે. તેઓએ કમંડલ કૂંડમાં પણ વર્ષોથી સેવા પૂજા કરી હતી.
સાંસદ ભારદ્વાજની તબિયતમાં સુધારો
ઓગસ્ટની ૩૦મીએ સાંસદ અભયભાઈ ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અભયભાઇ ભારદ્વાજે સારવાર લીધા પછી તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ પણ આવી ગયો હતો, પરંતુ અભય ભારદ્વાજનાં ફેફસાં યોગ્ય રીતે કામ કરતાં નહોતાં જેથી સારવાર માટે એર એમ્બ્યુલન્સથી તેમને ચેન્નઇ સારવાર માટે ખસેડાયાં હતાં. અભયભાઇના નાના ભાઇ નીતિનભાઇએ ૧૬મી ઓક્ટોબરે જણાવ્યું હતું કે, હાલ અભયભાઇની તબિયત સારી છે અને સુધારા પર છે. આગામી ૧૨-૧૫ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાય તેવી સંભાવના છે.