ગાંધીનગરઃ રાજ્યનાં સાબરકાંઠા, પંચમહાલમાં અને નર્મદા વિસ્તારમાંથી મહારાષ્ટ્રની સરહદમાં વાઘ આવ-જા કરે છે તેવી રજૂઆતના પગલે વનવિભાગે નર્મદા આસપાસના ૧૦૫૨ ચોરસ કિલોમીટર વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી સીસીટીવી કેમેરા લગાવ્યા છે. આ કેમેરાના સ્થળ પણ બદલવામાં આવે છે, છતાં હજુ સુધી અહીં વાઘ છે તેવા કોઇ પુરાવા મળ્યા નથી. પરિણામે વન વિભાગ પણ એવું માનવા લાગ્યું છે કે ગુજરાતમાં વાઘ આવ્યો રે વાઘ આવ્યો કહેવત સાચી છે.
આ બાબતે વન વિભાગના ટોચના સૂત્રોના કહ્યા પ્રમાણે ગુજરાતમાં ૧૯૯૩માં હાથ ધરાયેલી ગણતરીમાં વાઘ-ટાઇગર નામશેષ થઇ ગયા હોવાનું બહાર આવ્યું હતું. આ પછી ક્યારેય ગુજરાતમાં વાઘ દેખાયા નથી. છેલ્લા બે વર્ષથી જે તે વિસ્તારના નાગરિકો દ્વારા વાઘ દેખાય છે. વાઘ દેખાય છે તેવી વિશ્વાસ સાથેની રજૂઆત કરવામાં આવી હતી. નર્મદા વિસ્તારની સરહદ મધ્ય પ્રદેશની અડીને આવી હોવાથી સ્થાનિક નાગરિકોએ વાઘ હોવાનું વિશ્વાસ સાથે કહ્યું હતું.

