અમદાવાદ: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાએ વિધિવત્ વિદાય લીધી છે. નૈઋત્યના મોસમી પવન પાછા ફરતા પવનની દિશા બદલાઈ છે અને ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવા સાથે ગરમીનો પ્રભાવ વર્તાઈ રહ્યો છે.
હવામાન સ્વચ્છ અને સૂક્કું થઈ ગયું છે. ભેજના પ્રમાણમાં ઘટાડો થયો છે. બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ૨૦૧૭ના વર્ષના ચોમાસાની વિદાય સાથે ગુજરાતમાં સરેરાશ ૩૨ ઈંચ વરસાદ નોંધાયો છે. જે સામાન્ય રીતે હોવો જોઈએ તેના કરતાં ૧૯ ટકા વધુ છે.
અમદાવાદ શહેરમાં ૪૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા, પાટણ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય રીતે વરસાદ ઓછો પડે છે તેના સ્થાને આ જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થઈ છે. બનાસકાંઠામાં સૌથી વધુ ૪૪ ઈંચ વરસાદ પડ્યો છે. કચ્છમાં ૨૦ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જે સામાન્ય કરતાં ૩૬ ટકા વધુ છે. જ્યારે દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી જિલ્લામાં સરેરાશ વરસાદ કરતાં ૩૦ ટકા ઓછો વરસાદ પડ્યો છે. એવી જ રીતે ડાંગ, નર્મદા અને સુરતમાં એકંદરે સરેરાશ કરતાં ૭થી ૨૦ ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે.

