ગાંધીનગરઃ ગુજરાતમાં ૧૬મી જૂને યોજનારી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપ કે કોંગ્રેસ બંને પક્ષ માટે તમામ ઉમેદવારો જીતે એ અનિવાર્ય છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી- બીટીપીના પિતા-પુત્ર ધારાસભ્યોનું સમર્થન પણ ભાજપ-કોંગ્રેસ માટે તાતી જરૂર સમાન છે. આદિવાસી પટ્ટીમાં સરકાર સામે મોરચો ખોલનારા છોટુ વસાવા જેની વિરુદ્ધમાં મત આપશે તેનો એક ઉમેદવાર હારશે તે નિશ્ચિત મનાય છે.
ગુજરાતમાં ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાને ઉતાર્યા છે. ભાજપ પાસે ત્રીજા ઉમેદવારને જીતાડવા પહેલેથી જ પૂરતું સંખ્યાબળ નહોતું. આથી, લોકડાઉન પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસમાં થયેલી તોડફોડ, એક પછી એક એમ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોના નાટયાત્મક રીતે પડેલા રાજીનામાનો ખેલ સૌએ જોયો છે. હવે આગામી ૧૫ દિવસ જનપ્રતિનિધિઓના નૈતિકતાના વધુ પારખાં થશે. ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરવા હાઈકોર્ટે આપેલા હુકમ સામે સુપ્રીમ કોર્ટના સ્ટેથી ૧૮૨ ધારાસભ્યો ધરાવતી ગુજરાત વિધાનસભામાં હાલનું કોરમ ૧૭૫નું થાય છે. જેમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ૧૦૩ છે, એનસીપીના કાંધલ જાડેજાએ પહેલાં જ ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને સમર્થન જાહેર કર્યું છે. આમ, ભાજપ પાસે ૧૦૪ ધારાસભ્યો છે. સામે કોંગ્રેસ પાસે અપક્ષ જિજ્ઞેશ મેવાણી સાથે ૬૯નું બળ છે.
હાલની રાજ્યની રાજકારણીય પરિસ્થિતિએ એક બેઠક જીતવા માટે એક ઉમેદવાર પાસે ૩૬ ધારાસભ્યોના એકડાના અર્થાત્ ફર્સ્ટ પ્રેફરન્સના મતો અનિવાર્ય ગણાય છે. તેથી ભાજપના અભય ભારદ્વાજ અને રમીલાબહેન બારા પછી નરહરિ અમીન માટે ૩૨ ફર્સ્ટ પ્રેફરન્સના ૩૨ મત જ બચે છે. સામે કોંગ્રેસના પ્રથમ ઉમેદવારને ૩૬ મત મળ્યા પછી બીજા માટે ૩૩ મત રહે છે. આથી, બીટીપીના બે ધારાસભ્યોના ફર્સ્ટ પ્રેફરન્સના મતો જેની તરફ પડશે તેને પક્ષના ઉમેદવારોને સેકન્ડ પ્રેફરન્સના મતોના ભારણથી રાજ્યસભાનો રસ્તો સાફ થશે. જેથી ભાજપ-કોંગ્રેસની નજર બીટીપીના વલણ પર છે.


