રાજ્યસભા પેટાચૂંટણીમાં બંને બેઠક પર જીત મેળવવા ભાજપના ખેલ

Wednesday 19th June 2019 07:25 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્યસભામાં ગુજરાતમાંથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી બેઠકો માટે પમી જુલાઈએ પેટા ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે બિહારમાં એક અને ઓડિશાની ત્રણ બેઠકો માટેની પેટા ચૂંટણીનું નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું છે. અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચુંટાયા તેના નોટિફિકેશન એક દિવસના અંતરે પ્રસિદ્ધ થયા તેની કાયદાકીય છટકબારીનો લાભ લઈ ગુજરાતની તેમની બે બેઠકો પરની ચૂંટણી એકસાથે નહીં, પરંતુ અલગ અલગ યોજવાનો ખેલ પાડવામાં આવ્યો હોવાનું જણાઈ આવે છે.
દેખીતી રીતે જ જો બે બેઠકોની ચૂંટણી સાથે યોજાય તો ભાજપને એક જ બેઠક મળે તેમ હતું પરંતુ હવે ભાજપની વિધાનસભામાં સભ્ય સંખ્યા અને અલગ ચૂંટણીની વાસ્તવિકતાને ધ્યાને લેતાં બંને બેઠક ભાજપને ફાળે જાય તે નિશ્ચિત થયું છે.
ભાજપના આ માસ્ટર સ્ટ્રોકથી કોંગ્રેસ કાયદાકીય પ્રક્રિયામાં વધુ ઉલઝશે એ નક્કી છે. ગુજરાતમાં આ બંને બેઠકો માટે એક જ દિવસે મતદાન યોજાશે. પરંતુ, તેના માટે મતદાન પત્રકો અને મતપેટીઓ અલગ અલગ રહેશે. રાજ્યસભાની સામાન્ય ચૂંટણીમાં એકથી વધુ ઉમેદવારો હોય ત્યારે ફર્સ્ટ પ્રેફરન્સ, સેકન્ડ કે થર્ડ પ્રેફરન્સ એમ એકડો, બગડો એમ ક્રમાનુસાર પસંદગીને આધારે મતદાન થતું હોય છે.
પરંતુ, આ પેટા ચૂંટણીમાં ખાલી પડેલી બેઠકોના નોટિફિકેશનની તારીખો અલગ અલગ હોવાથી અલાયદા મતપત્રકો રહેતા વિધાનસભામાં ભાજપનું સંખ્યબળ ૯૯ હોવા છતાંયે બંને બેઠકો ભાજપ જીતી જશે એ નિશ્ચિત છે.
લોકસભામાં ગાંધીનગરથી ચુંટાયા બાદ રાજ્યસભામાં અમિત શાહની બેઠક ૨૩ એપ્રિલે ખાલી પડયાનું નોટિફિકેશન જાહેર થયું હતું જ્યારે અમેઠીથી ચુંટાયા બાદ સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી બેઠક માટે ૨૪ એપ્રિલે આ વિધિ થઈ હતી
લોક પ્રતિનિધિત્વ ધારો અને દિલ્હી હાઈ કોર્ટના ચૂકાદાને આધારે હવે આ બંને બેઠકો માટે અલગ અલગ મતદાન થતા ૭૨ ધારાસભ્યો ધરાવતી કોંગ્રેસને કંઈ પ્રાપ્ત થઈ શકશે નહીં. બે બેઠકો પૈકી વિદેશ પ્રધાન એસ. જયશંકરને ભાજપ ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલશે. બીજી બેઠક માટે સ્થાનિક નેતાને ઉતારવામાં આવે તેવી ચર્ચા છે.
આ ચુકાદાથી કોંગ્રેસનું સ્વપ્ન રોળાશે?
ચૂંટણી પંચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, રાજ્યસભા સહિત સંસદના તમામ ગૃહની પેટાચૂંટણી જે તે બેઠક ખાલી પડયાના અનુસંધાને નક્કી થાય છે. ચૂંટણીનો કાર્યક્રમ ભલે એકસમાન હોય પણ દરેક બેઠક માટે અલગ અલગ નોટિફિકેશન્સ અને અલગ અલગ ચૂંટણી યોજાય છે.
જે વર્ષ ૧૯૫૧ના લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ ૧૪૭થી ૧૫૧ની જોગવાઈઓને સુસંગત છે. આ કિસ્સામાં (હાલની પેટાચૂંટણીમાં) ઈલેક્શન કમિશને આ જ પ્રથા અપનાવી છે. જેને દિલ્હી હાઈ કોર્ટે વર્ષ ૧૯૯૪માં એ.કે.વાલિયા વિરુદ્ધ કેન્દ્ર સરકાર તથા વર્ષ ૨૦૦૯માં સત્યપાલ મલિક વિરુધ્ધ ચૂંટણી પંચના ચુકાદામાં બહાલ રાખ્યું છે.
રાજ્યસભામાં બે બેઠકના અલગ મતદાન સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી એક જ દિવસે પરંતુ મતદાન અલગ અલગ કરાવવાના ચૂંટણીપંચનો નિર્ણય કહો કે નોટિફિકેશન સામે ગુજરાત કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઈલ કરી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કર્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે ચૂંટણીપંચે બહાર પાડેલા ગેરબંધારણીય જાહેરનામા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અમે ગુજરાતમાં બંધારણ અને લોકશાહીને બચાવવા માટે લડીશું. અમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ બંધારણ અને આપણી લોકશાહીની હત્યા થતી અટકાવશે.
રાજ્યસભા ચૂંટણીને લઈ પંચના આ નિર્ણય બાબતે ચર્ચા કરવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી દિલ્હી પહોંચ્યા હતા, જ્યાં સોમવારે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના નિવાસે કાનૂની નિષ્ણાતો સાથે વિચાર-વિમર્શ કર્યો હતો. ચૂંટણી પંચે જે રીતે નિર્ણય કર્યો છે તે મુજબ બંને સીટો ભાજપના ફાળે આવે તેમ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter