ગાંધીનગરઃ રાજ્યસભામાં ગુજરાતમાંથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી બે બેઠકો માટે પાંચમી જુલાઈએ યોજનારી પેટાચૂંટણીમાં મંગળવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. તે પૂર્વે સોમવારની સાંજે ભાજપે વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ઓબીસી મોરચામાં પ્રદેશ પ્રધાન જુગલ લોખંડવાલા (ઠાકોર)ને ઉમેદવારી માટે ફાઈનલ કર્યા હતાં. ભાજપે બંને બેઠકો માટે નામો પસંદ કર્યા પછી પણ કોંગ્રેસમાં અસમંજસનો માહોલ યથાવત રહ્યો હતો. બે બેઠકો માટે કોંગ્રેસ પાંચ નામની પેનલમાં અટવાઈ પડી હતી. આ તરફ વિદેશ પ્રધાન એસ. જયશંકર સોમવારે મોડી સાંજે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. ભાજપે બીજા ઉમેદવાર તરીકે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજમાં દાનવીર પરિવાર તરીકે જાણીતા સ્વ. મથુરજી પૂંજાજી લોખંડવાલાના પુત્ર ૪૮ વર્ષીય જુગલ લોખંડવાલાનું નામ ફાઈનલ કર્યું હતું.
અલ્પેશને પાઠ ભણાવ્યો?
ભાજપ હાઈકમાન્ડે રાજ્યસભા પેટાચૂંટણી માટે પ્રદેશ સંગઠનમાંથી ઓબીસી યુવાન જુગલ લોખંડવાલાને ઉતારીને ઠાકોર સમાજને નામે સોદાબાજીમાં પ્રવૃત્ત કોંગ્રેસના બળવાખોર અલ્પેશ ઠાકોરને જમીન દેખાડી હોવાની ચર્ચા છે.
એટલું જ નહીં, અલ્પેશની સોદાબાજી માટે ગુજરાત ભાજપમાં વકીલાત કરતા ભાજપના નેતાઓના મનસૂબા પણ પક્ષે ધોઈ કાઢયા છે.
જુગલ લોખંડવાલાનો પરિવાર એંશીના દાયકાથી ઠાકોર સમાજના શૈક્ષણિક-સામાજિક ઉત્કર્ષ માટે કાર્યરત છે. જુગલના પિતા મથુરજી પૂંજાજી તત્કાલીન મુખ્ય પ્રધાન માધવસિંહ સોંલકીના ખાસ મિત્ર ગણાતા હતા. નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનનું પદ સંભાળ્યા બાદ ભાજપમાં જોડાયેલા જુગલ ઠાકોર મહેસાણા પાલિકામાં બે ટર્મ કાઉન્સિલ ચૂંટાયા હતા. ભાજપ હાઈકમાન્ડે જૂગલને રાજ્યસભામાં ઉમેદવારીની તક આપીને એક કાંકરે ત્રણ સંકેતો છોડયા છે. એક તો ભાજપે સંગઠનમાંથી યુવા ઓબીસીને ઉતારી ઠાકોર મતોને આકર્ષિત કરવા પ્રયત્ન કર્યો છે. બીજી તરફ દારૂબંધીને નામે લોકોને ઉશ્કેરી પ્રરપ્રાંતીઓ સામે આંદોલનો કરનાર અલ્પેશને ઠંડો પાડ્યો છે. ત્રીજું ગુજરાત ભાજપમાં સ્થિતિ મજબૂત કરવા અલ્પેશ જેવા તકસાધુઓ સાથે સોદાબાજી કરતા પ્રદેશ નેતાઓને પણ શાનમાં સમજી જવા ત્રીજો સંકેત આપ્યાનું ચર્ચાય છે.
જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી જાહેર
રાજ્ય ચૂંટણી પંચે સોમવારે સાંજે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી જાહેર કરી. ભાજપ પાસે રહેલી આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના ૧૫ વોર્ડ માટે ૨૧ જુલાઈ મતદાન યોજાશે. જૂનાગઢ મ્યુ. કોર્પોરેશનની સાથે પંચે ગાંધીનગર મ્યુ. કોર્પોરેશનની એક બેઠક તેમજ રાજ્યમાં પાંચ જિલ્લા પંચાયતોની પાંચ બેઠકો, ૧૨ તાલુકા પંચાયતની ૧૫ બેઠકો માટે પણ પેટાચૂંટણીઓ જાહેર કરી છે. પંચના ચૂંટણી કાર્યક્રમ અનુસાર ઉપરોક્ત તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ૧લી જુલાઈથી શરૂ થનારી ઉમેદવારી ફોર્મ ભારવાની પ્રક્રિયા ૬ઠ્ઠી જુલાઈ સુધી ચાલશે. ૨૧મી જુલાઈએ રવિવારે જૂનાગઢ મ્યુ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીની સાથે જ જ્યાં પેટાચૂંટણી યોજવાની છે તે બેઠકો ઉપર સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે. ૨૭મી જુલાઈએ મતગણતરી થશે.


