અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનારા કોંગ્રેસના બે ધારાસભ્યોના મત રદ થયાના પગલે હારી ગયેલા ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે હાઇ કોર્ટમાં ઇલેક્શન પિટિશન કરી છે. જેમાં ચૂંટણી પંચને મત રદ કરવા કે સ્વીકારવાની કોઈ જ સત્તા ન હોવાની રજૂઆત કરાઈ છે. હાઇ કોર્ટે ઇલેક્શન પિટિશનના પગલે ભાજપના ઉમેદવારો અમિત શાહ, સ્મૃતિ ઈરાની, કોંગ્રેસના એહમદ પટેલ અને ઇલેક્શન કમિશનને નોટિસ આપી છે. આ કેસમાં સુનાવણી ૨૧ સપ્ટેમ્બર પર મુલતવી રાખાઈ છે.
પિટિશન અંગે બલવંતસિહ રાજપૂતના વકીલે એવી દલીલ કરી હતી કે, એહમદ પટેલ સામે ૬ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કોંગ્રેસ દ્વારા તેમના ૪૪ ધારાસભ્યોને એક ફાર્મહાઉસમાં રાખીને તેમને લાલચ આપી ડરાવ્યા, ધમકાવ્યા છે. લોકપ્રતિનિધિ દ્વારા આવી પ્રવૃત્તિ કરાવવી ગંભીર ગુનો છે. કેન્દ્રીય ચૂંટણીપંચે મત આપનાર બે ધારાસભ્યોને અને બલવંતસિંહ રાજપૂતને સાંભળ્યા વગર નિર્ણય લીધો છે. ચૂંટણી પંચને આ રીતે મત રદ કરવાની કોઈ સત્તા જ નથી, માત્ર રિટર્નિંગ ઓફિસરને મત રદ કરવાની સત્તા છે.
પિટિશનમાં કોંગ્રેસના પૂર્વ દંડક અને શંકરસિંહ વાઘેલા સાથે બળવો કરી કોંગ્રેસ છોડી દેનારા બલવંતસિંહે એહમદ પટેલ પર ચૂંટણીમાં ભ્રષ્ટ રસમો અપનાવવાનો આક્ષેપ કર્યો છે. એહમદ પટેલ ૪૪ મતદારો ધારાસભ્યોને બેંગલોર લઈ ગયા. રિસોર્ટમાં મજા કરાવી તે લાંચ આપી કહેવાય અને બિનજરૂરી પ્રભાવ પાડી ચૂંટણી જીત્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

