નવી દિલ્હીઃ રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણીમાં ધારણા મુજબ જ ભાજપના ઉમેદવારો વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલજી ઠાકોરે જ્વલંત વિજય મેળવ્યો છે. જયશંકર અને ઠાકોરને ૧૦૪-૧૦૪ મતો મળ્યાં હતાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબહેન ચુડાસમાને ૭૦-૭૦ મતો મળ્યા હતા. રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભામાં ચૂંટાતા તેમના રાજીનામાથી આ બેઠકો ખાલી પડી હતી.
રાજ્યસભા ચૂંટણીમાં ધારાસભ્યોના આંકડાઓનું ગણિત જોતાં કોંગ્રેસનો પરાજય નિશ્ચિત જણાતો હતો, જોકે સહુની નજર તેના નારાજ ધારાસભ્યો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના મતદાન પર હતી. આ બન્નેએ કોંગ્રેસના વ્હિપને ફગાવીને ક્રોસવોટિંગ કરતાં ભાજપને મત આપ્યો હતો. આ ઉપરાંત બીટીપી (ભારતીય ટ્રાયબલ પાર્ટી) અને એનસીપી (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)એ પણ ભાજપને મત આપ્યા હતા. આમ એકતરફી હોવા છતાં ચૂંટણી દરમિયાન વિધાનસભા સંકુલમાં ઉત્તેજનાપૂર્ણ માહોલ જોવા મળતો હતો.
ઠાકોર-ઝાલાનું ક્રોસવોટિંગ
રાજ્યસભાની ચૂંટણીને પગલે ગાંધીનગરમાં સમગ્ર સચિવાલય સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. પ્રારંભે ભાજપના ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. જોકે, બપોરે પોણા ત્રણ વાગ્યે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિધાનસભા સંકુલમાં આવી પહોંચ્યાં હતા અને તેઓ સીધા જ ભાજપના દંડક પંકજ દેસાઈની ચેમ્બરમાં પહોંચ્યા હતા. જ્યાં મતદાન મુદ્દે ચર્ચા કર્યા બાદ બંને ધારાસભ્યો ઉપદંડક આર. સી. પટેલની ઓફિસમાં પહોંચ્યા હતા. ભાજપનો ઈશારો થતાં જ બંને ધારાસભ્યો મતદાન કરવા પહોંચ્યાં હતાં. અલ્પેશ ઠાકોર - ધવલસિંહ ઝાલાએ ક્રોસવોટિંગ કર્યું હોવાનો સંકેત કોંગ્રેસના પોલીંગ એજન્ટ બ્રિજેશ મિરઝાએ આપતાં જ રાજકીય માહોલમાં ઉત્તેજનાનું મોજું ફરી વળ્યું હતું.
જોકે, કોંગ્રેસના ઓબ્ઝર્વર ધારાસભ્ય શૈલેષ પરમારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના ક્રોસવોટિંગ સામે વાંધો લીધો હતો અને મતદાનને અંતે કેન્દ્રીય ચૂંટણી પંચને રજૂઆત કરીને આ મતો રદ કરવાની માંગ કરી ફરિયાદ કરી હતી. જોકે તેમની રજૂઆત નકારી દેવાઇ હતી.
બીટીપી-એનસીપીએ કોંગ્રેસનો સાથ છોડ્યો
ક્રોસવોટિંગ કર્યાની ગણતરીની મિનિટોમાં જ બંને ધારાસભ્યો વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને ધારાસભ્યપદેથી રાજીનામું સોંપી દીધું હતું. બપોરના સાડા ત્રણ વાગ્યા સુધીમાં ભાજપ, કોંગ્રેસના બધાય ધારાસભ્યોએ મતદાન પૂર્ણ કર્યું હતું. કોંગ્રેસના સમર્થક એવા ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને મત આપ્યો હતો. જ્યારે એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ તો આગલા દિવસે જ ભાજપના ધારાસભ્યોની બેઠકમાં હાજરી આપીને સમર્થન જારી કર્યું હતું. તેણે પણ ભાજપને મત આપ્યો હતો. આ બન્ને પક્ષોએ રાજ્યસભાની ગત ચૂંટણી વેળા કોંગ્રેસના સમર્થનમાં મતદાન કર્યું હતું. જોકે અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં મતદાન કરીને કોંગ્રેસને રિટર્ન ગિફ્ટ આપી હતી.