ગાંધીનગરઃ કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનના લીધે ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો માટે ભારતના ચૂંટણી પંચે ૧લી માર્ચે ચૂંટણી યોજવાનો કાર્યક્રમો જાહેર કર્યો છે. વર્ષ ૨૦૧૯ની જેમ ગુજરાતમાં વધુ એક વખત ૧લી માર્ચે એક જ દિવસે યોજનારી રાજ્યસભાની બે બેઠકો માટે અલગ અલગ મતપત્રકોથી મતદાન થવાનું છે. વિધાનસભામાં ૧૧૧ ધારાસભ્યોનું બળ ધરાવતો ભાજપ આ ચૂંટણીમાં પણ બંને બેઠકો સરળતાથી જીતી જશે એવું મનાય છે.
મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાની સહીથી ૧૧મી ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ કરાયેલા નોટિફિકેશન મુજબ કાર્યક્રમ જાહેર થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ઉમેદવારી માટે ૧૮ ફેબ્રુઆરી સુધીનો સમય નિયત કરાયો છે. ૧૯મી ફેબ્રુઆરીએ ફોર્મ ચકાસણી બાદ ૨૨મી ફેબ્રુઆરીએ સોમવાર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. એ પછી ૧લી માર્ચે સવારના ૯થી સાંજે પાંચ કલાક સુધી મતદાન થશે, બાદમાં મતગણતરી શરૂ થશે. આ ચૂંટણી કાર્યક્રમમાં કોવિડ-૧૯ના નિયમોના ચુસ્ત પાલનની તાકીદ કરાઈ છે.
અહેમદ પટેલનું ૨૫ નવેમ્બર ૨૦૨૦ના રોજ અવસાન થયું હતુ. તેમની બેઠકની મુદ્દત ૧૮ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ પૂર્ણ થતી હતી. અભય ભારદ્વાજનું અવસાન ૧લી ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ થયું હતું. તેમની બેઠકની મુદ્દત ૨૧ જૂન ૨૦૨૬ના રોજ પૂર્ણ થતી હતી.
રાજ્યસભાની ચૂંટણીમાં સામાન્યતઃ એક જ ટર્મની એકથી વધુ બેઠકો માટે જે પક્ષ પાસે સૌથી વધુ ફ્સ્ટ પ્રેફરન્સ - એકડાના મત હોય તેના ઉમેદવાર સર્વપ્રથમ વિજેતા જાહેર થાય છે. ઉક્ત બે બેઠકોની ચૂંટણી અલગ અલગ ટર્મની છે તે ખાલી થવાની તારીખો પણ અલગ અલગ હોવાથી અલગ અલગ મતદાનને કારણે બેઉ બેઠકો ભાજપ જીતશે એ નિશ્ચિત છે.

