અમદાવાદઃ ગુજરાતને વધુ બે રાજ્યસભા સાંસદ મળી ગયા છે. ભાજપના બંને ઉમેદવાર સૌરાષ્ટ્રના પોરબંદરના રામ મોકરિયા અને ઉત્તર ગુજરાતના દિનેશ પ્રજાપતિ બિનહરીફ વિજેતા થતા રાજ્યસભાના સાંસદ બન્યા છે. કોંગ્રેસે આ બેઠકો પર ઉમેદવાર જ ઉભા ન રાખતા ભાજપના બંને ઉમેદવારો બિનહરીફ થયા હતા.
૧૮ ફેબ્રુઆરીના રાજ્યસભાની ચૂંટણીની ઉમેદવારી કરવાનો અંતિમ દિવસ હતો. જેમાં ભાજપના બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે કોંગ્રેસ દ્વારા કોઈ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ન હતા કારણ કે, રાજ્યસભાની ચૂંટણી માટે એક જાહેરનામાને બદલે અલગ અલગ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેથી કોંગ્રેસ પાસે જીત માટે પૂરતા ધારાસભ્યોનું સંખ્યાબળ ન હતું.
હવે ભાજપની આઠ બેઠકો
રાજ્યસભામાં ગુજરાતની કુલ ૧૧ બેઠકો છે, આ પૈકીની સૌથી વધુ ૭ બેઠકો હાલ ભાજપ પાસે હતી, જ્યારે બાકીની બેઠકો કોંગ્રેસ પાસે હતી. ભાજપમાંથી પુરૂષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલા બારા, ડો. એસ. જયશંકર અને જુગલજી ઠાકોર રાજ્યસભાના સાંસદ છે. તો કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, નારણસિંહ રાઠવા, અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ હતા. જેમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલનું તાજેતરમાં નિધન થતાં બે બેઠક ખાલી પડી હતી. હવે આ બેઠક પર બંને ઉમેદવારો બિનહરીફ થતા ભાજપની ૮ બેઠકો થઈ છે તો કોંગ્રેસના ૩ સાંસદ થયા છે. આ સાથે જ રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ વધ્યું છે.
મોકરિયા રાજકોટના નવમા મહાનુભાવ
રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું કોરોનાથી અવસાન થતા સૌથી ઓછા સમયમાં ખાલી પડેલી સીટ માટે મૂળ પોરબંદરના ભડ ગામના વતની અને મારુતિ કુરિયરના સંચાલક રામભાઇની પસંદગી કરી છે. અબોટી બ્રાહ્મણ જ્ઞાતિના ૬૪ વર્ષના રામભાઈ હરજીભાઈ મોકરિયા દસકાઓથી ભાજપ સાથે જોડાયેલા છે. તેમની પસંદગીથી ૧૯૯૦થી રાજકોટના કોઈ નેતાનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ યથાવત્ રહેશે.
રાજકોટમાંથી કોંગ્રેસના સમયમાં ઈ.સ. ૧૯૬૨માં જેઠાલાલ જોષી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા બાદ ૧૯૯૦માં ચીમનભાઈ મહેતાની પસંદગી થઈ હતી, જેઓ ધોરાજીના પૂ્ર્વ ધારાસભ્ય અને મૂળ જનતા દળ પક્ષ સાથે જોડાયેલા હતા. આ પછી ૧૯૯૩માં સ્વ. ચીમનભાઈ શુક્લની આ પદ માટે પસંદગી થઈ હતી, જ્યારે ૧૯૯૯થી ૨૦૦૫ સુધી રાજકોટ જિલ્લાના વાંકાનેરના લલિતભાઈ મહેતા, જ્યારે ૨૦૦૨થી ૨૦૦૬ સુધી રાજકોટના રહેવાસી સ્વ. કેશુભાઈ પટેલ, ૨૦૦૬થી ૨૦૧૨ સુધી રાજકોટના જ વિજય રૂપાણી અને છેલ્લે સ્વ. અભય ભારદ્વાજની પસંદગી થઈ હતી. હવે રાજ્યસભામાં પહોંચેલા મોકરિયા પોરબંદર નગરપાલિકામાં બે વખત કાઉન્સીલર તરીકે ચુંટાયા છે, પણ કદી ધારાસભા કે લોકસભા ચૂંટણી લડ્યા નથી.
દિનેશભાઇઃ પ્રજાપતિ સમાજમાં મોટું નામ
દિનેશભાઈ જેમલભાઈ અનાવાડિયા ઉત્તર ગુજરાતના પ્રજાપતિ સમાજમાં મોટું નામ છે. તેઓ ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના વડા છે. તેમની ઉમેદવારી દ્વારા ભાજપે ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ) સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો છે. ખેતી અને હીરા વ્યવસાય સાથે સંકળાયેલા દિનેશભાઈએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં જન્મેલા દિનેશભાઈ નાનપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. ૧૯૯૩માં તેઓ ડીસા તાલુકાના યુવા ભાજપના મહામંત્રી અને બાદમાં પ્રમુખ (૧૯૯૬) બન્યા. આગળ જતાં તેઓ ગુજરાત યુવા ભાજપમાં ખજાનચી પણ બન્યા. ઉત્તર ગુજરાતમાં સહકાર ક્ષેત્રે સક્રિય દિનેશભાઈ ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક બોર્ડ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ડિરેક્ટરપદે પણ રહી ચૂક્યા છે.


